Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની 20 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કર્યા બાદ ભોજક કેટલા રંગે રંગાયેલા છે તે તેમના ઘરની તલાશી લેતા બહાર આવ્યું છે. ભોજકે લાંચ લીધા બાદ એસીબીએ તેના પ્રગતિનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા ઘરમાંથી 73 લાખ રૂપિયા રોકડા મલી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તે સિવાય 4 લાખની કિંમતનું સોનાનુ બિસ્કિટ મળીને કુલ રૂ.77,00,000ની માલમતા કબજે કરવામાં આવી હતી.તે સિવાય જડતી દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને મિલકતો સંદર્ભે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. જેને પગલે આગામી દિવસોમાં ભોજકનો મોટો ફૂગ્ગો ફૂટશે તે નક્કી છે.
રાજકોટ અગ્નિકાંડના ટીડીઓની કરોડોની મિલકતોની તપાસ ચાલી રહી છે ત્યાં અમદાવાદના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજક 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીની જાળમાં સપડાઈ ગયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી અમદાવાદમાં વડીલોપાર્જીત જમીનમાં દુકાનો અને મકાનો ધરાવતા હતા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈને તોડી પાડવામાં આવ્યા હતા. આથી મકાનો અને દુકાનોના ભાડુઆતોએ તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.ની કચેરીએ જઈ પુરાવા રજુ કરશો તો એએમસી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. આથી ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ફરિયાદીને આરોપી હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. જેમાં તેમને બનાવ અંગે વકેફ કરવામાં આવ્યા હતા. આરોપી હર્ષદે આ કામ કરી આપવા બદલ પહેલા 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
જેમાં આરોપી આશિષને 10 લાખ આપવાની વાત કરી હતી. બાદમાં રકઝક કરતા મામલો 20 લાખમાં નક્કી થયો હતો. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે એસીબીના અધિકારીઓએ આસ્રમ રોડ પર રત્ના બિઝનેસ સ્ક્વેર, અક્ષર સ્પેસ ઈન્ક્રાસ્ટ્રક્ચરની એક ઓફિસમાં જાળ બિછાવીને લાંચ માંગી આ રકમ સ્વીકારીને ગુનો કર્યો હતો.આરોપી હર્ષદ એમ.ભોજક એએમસીમાં આસિસ્ટંટ ટીડીઓ તરીકે ફરજ બજાવતો હતો જ્યારે આશિષ પ્રજાજન હોવાનું એસીબીના અધિકારીઓે જણાવ્યું હતું.
આવા ‘સાગઠિયા’ ઓની તપાસ થશે ખરી ?
આમ રાજકોટના અગ્નિકાંડ કેસના આરોપી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની અધધધ મિલકતો બહાર આવ્યા બાદ મોટાભાગના ટીપીઓ અને ટીડીઓ વિવિધ એજન્સીઓના રડારમાં આવી ગયા હતા. જેમાં અમદાવાદના હર્ષદ ભોજક કાગનું બેસવું અને ડાળનું ભાંગવું જેવો ઘાટ થયો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ એજન્સીઓ સતર્ક થઈ અને ભોજકનું ભોપાળુ બહાર આવ્યું. બાકી એવા કેટલા સાગઠિયા દરેક ઠેકાણે હશે તેની કલ્પના કરવી સામાન્ય માણસ માટે મોટી વાત નથી.
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે
