RTO Fitness Camp Closed : ગીરસોમનાથ જિલ્લાના વાહન ચાલકો માટે મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લા આર.ટી.ઓ. (RTO) દ્વારા તાલુકા કક્ષાએ યોજાતા વાહન પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટના કેમ્પો અચાનક બંધ કરવામાં આવતા હજારો વાહન ચાલકો હેરાન-પરેશાન બન્યા છે. આર.ટી.ઓ. ગીરસોમનાથના જણાવ્યા મુજબ વાહનવ્યવહાર કમિશનર, ગાંધીનગરની લેખિત સૂચનાથી આ કેમ્પો બંધ કરાયા છે.
તાલુકા કક્ષાના ફિટનેસ કેમ્પો કેમ જરૂરી હતા?
ઉના, ગીર ગઢડા, કોડીનાર, તલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના નાના-મોટા તમામ પ્રકારના વાહન ચાલકોને હવે ફિટનેસ સર્ટિફિકેટ અને પાસિંગ માટે ઉનાથી અંદાજે 170 કિ.મી. દૂર જુનાગઢ અથવા 100 કિ.મી. દૂર અમરેલી જવું ફરજિયાત બન્યું છે. જેના કારણે વાહન ચાલકો પર સમય અને ખર્ચનો બોજ વધ્યો છે.
RTO કેમ્પ બંધથી વાહન ચાલકો પર અસર
અગાઉ તાલુકા કક્ષાએ યોજાતા આર.ટી.ઓ. (RTO) કેમ્પોમાં ટ્રક, બસ, લક્ઝરી વાહન, ટ્રેક્ટર, કાર તેમજ શાળાઓની ખાનગી બસો સહિતના વાહનોનું મેન્યુઅલ પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ સરળતાથી આપવામાં આવતું હતું. આ વ્યવસ્થાથી વાહન ચાલકોને સમય અને ખર્ચ બંનેમાં મોટી રાહત મળતી હતી.

હવે કેમ્પો બંધ થતાં વાહન ચાલકોને પોતાનો ધંધો-રોજગાર એક દિવસ બંધ રાખીને લાંબી દૂરી સુધી વાહન લઈ જવું પડશે. ઈંધણ ખર્ચ, સમય બગાડ અને આવક ગુમાવવાની પરિસ્થિતિ સર્જાતા આ નિર્ણયને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
વાહન ચાલકોની સરકારને માંગ
નાગરિકોની મુશ્કેલીઓ નિવારવી રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી હોવાનું જણાવતાં સ્થાનિક સ્તરે સરકાર સમક્ષ માંગ ઉઠી છે કે, ગીરસોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં અગાઉની જેમ આર.ટી.ઓ. (RTO) દ્વારા તાલુકા કક્ષાના ફિટનેસ અને પાસિંગ કેમ્પો તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને રાહત મળી શકે.
આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો
આ પણ વાંચો: ગીરસોમનાથમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
આ પણ વાંચો: ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત
