Surendranagar News: સુરેન્દ્રનગરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પાડેલા દરોડામાં મોટો ઘટસ્ફોટ થયો છે. લગભગ 1,500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદારની ધરપકડ થઈ છે અને સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં શંકાની સોય કલેકટર ભણી છે. એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ની ફરિયાદમાં પણ કલેક્ટરનું નામ લેવામાં આવ્યું છે. આના પગલે કલેક્ટર માટે આગામી દિવસો વધુ મુશ્કેલ નીવડી શકે છે. છેક દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદમાં ગુજરાતના કલેક્ટરનું નામ ખૂલ્યું છે. આના પગલે ટોચના સરકારી અધિકારીઓ હવે મોટી કોર્પોરેટ કંપનીઓ સામે પંગો લેતા અચકાશે.
સુરેન્દ્રનગરમાં પાટડીમાં સોલર પ્લાન્ટ લાગ્યા પછી કૌભાંડોનો ધમધમાટ થવા લાગ્યો હતો. જમીનોના ભાવ ઉચકાવવા લાગતા મોટાપાયા પર જમીન કૌભાંડ થવા લાગ્યા હતા. આ કૌભાંડોમાં મોટા માથાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડોનો ધમધમાટ એટલો વધ્યો કે તેના રૂપિયાની વાત છેક દિલ્હી સુધી પહોંચી ગઈ. આના પગલે કેસ પણ થવા લાગ્યા છે. દિલ્હીથી મુંબઈના એક્સપ્રેસ-વે જેટલા કિલોમીટરનો છે તેનાથી પણ મોટી રકમના કૌભાંડના કારણે વાત છેક ઇડી સુધી પહોંચી છે. હાલમાં દોઢ હજાર કરોડના લાગતા કૌભાંડનો વ્યાપ હજી પણ વધુ વધી શકે તો આશ્ચર્ય નહી થાય.
આશ્ચર્યની વાત એ છે કે ઇડીએ દરોડા પાડ્યા તે પહેલાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે ત્રણ અધિકારી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ગોહિલ અને બારડની ટ્રાન્સફર કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ભલામણ મહેસૂલ ખાતાના ટોચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ બતાવે છે કે શું મહેસૂલ ખાતાના આ અધિકારીઓને ગંધ આવી ગઈ હતી કે સુરેન્દ્રનગરમાં ઇડીના દરોડા પડવાના છે. આ ત્રણેય અધિકારીઓની બદલીમાં ગાંધીનગરના અધિકારીઓને શું રસ પડ્યો. આ અધિકારીઓ એવી તે કઈ કામગીરી કરતાં હતા કે ગાંધીનગરના અધિકારીઓને તેમા રસ પડ્યો.
એસીબીની ફરિયાદમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ જોડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના કલેક્ટરને કંપની સાથે પંગો લેવો મોંઘો પડી ગયો છે. આ દરોડાનું મૂળ લખતરનો સોલર પ્લાન્ટ હોવાનું મનાય છે. આ ઉપરાંત કેટલાક સૂત્રો જમીનનો મામલો હોવાનું પણ કહે છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલને લખતરના સોલર પ્લાન્ટને લઈને કોર્પોરેટ કંપની સાથે માથાકૂટ કરવી ભારે પડી ગઈ હોય તેમ લાગે છે. લખતરમાં સોલર પ્લાન્ટ નાખનારી કંપનીની પહોંચ દિલ્હી સુધી છે. નાયબ મામલતદારના ઘરેથી 67 લાખની રોકડ રકમ મળી હોવાનું કહેવાય છે. ઇડીએ ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. કોર્ટે પણ બનાવની ગંભીરતા જોતા નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડેપ્યુટી કલેક્ટરને કેમ હાજર ન કરાયા તેમ કહીને ઇડીના અધિકારીઓનો ઉધડો લીધો હતો.
ઇડીએ ગઇકાલે જ કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલાને ત્યાં દરોડા પાડ્યા હતા. ઇડીએ સવારથી જ સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ અધિકારીઓની ઓફિસો અને ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેના પગલે લખતરમાં રહેતા કલેક્ટરના પીએના ત્યાં પણ ઇડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ઇડીની ટીમોએ સવારથી જ ધામા નાખી દીધા હતા અને જુદા-જુદા અધિકારીઓની ઓફિસ-ઘરોમાં સઘન ચકાસણી હાથ ધરી છે.
આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. ઇડીની ટીમ વહેલી સવારથી જ તેમને ત્યાં ત્રાટકી હતી. વઢવાણ શહેરમાં પણ બે જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંદ્રસિંહ મૌરીને તો પકડીને કોર્ટમાં પણ રજૂ કરી દેવાયા છે. આ ઉપરાંત કલેક્ટરના બંગલા પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કલેક્ટર, નાયબ કલેક્ટર, કોન્ટ્રાક્ટર અને વકીલ એમ સાતથી આઠ સ્થળોએ ઇડીની ટીમ એકસાથે તપાસ કરી રહી છે.
સુરેન્દ્રનગરમાં આ રીતે ટોચના અધિકારીને ત્યાં દરોડા પડતા કર્મચારીઓમાં પણ ફફડાટ છે. લગભગ 24 કલાક કરતાં પણ વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઇડીની 10થી પણ વધારે ટીમ આ તપાસમાં સામેલ છે. સુરેન્દ્રનગર આમ પણ ખાણ માફિયાઓ અને ભૂમાફિયાઓ માટે બદનામ છે. આ સંજોગોમાં ઇડીના દરોડાના પગલે માનવામાં આવે છે કે ટોચના અધિકારીઓને ત્યાંથી મોટાપાયા પર બેનામી સંપત્તિ પકડાઈ શકે છે.
