Surat News: કિંજલ દવેના સમાજ બહાર લગ્નનો વિવાદ શાંત પડ્યો નથી ત્યાં સુરતમાં પ્રેમલગ્ન કરનારી જાણીતી સિંગર આરતી સાંગાણી (Aarati Sangani) સમાજ સામે બરોબરની વીફરી છે. તેના લગ્ન ફક્ત લગ્ન ન રહેતા સોશિયલ મીડિયા (Social Media) થી લઈ સમાજ (Community) માં વિવાદનો વિષય બન્યા છે. આરતીએ તેના પિતાની અપીલ ફગાવીને સમાજની વ્યવસ્થાની આકરી ઝાટકણી કાઢી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સમાજને સવાલ કર્યો હતો કે દીકરી સમાજની અંદર મરી-મરીને રહે તે પોષાય, પણ આનંદથી બીજા કોઈની સાથે રહે તે ન પોષાય. આ તે કેવો સમાજ.
Aaratu Sanganiની સમાજ સામે નારાજગી
સમાજ (Community) સામે નારાજગી વ્યક્તિ કરતા આરતી સાંગાણી (Aarati Sangani) ના એક પછી એક વિડીયો સોશિયલ મીડિયા પર આવતા સામાજિક આગેવાન વિજય માંગુકિયાએ તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છોકરાની વય 21 વર્ષથી નીચેની હોવાથી લગ્ન શક્ય નથી. પોતે સમાજના નિયમો અને બંધારણનું પાલન ન કરીને સરેઆમ ધજાગરો કરવો અને પછી સમાજ સામે જ આંગળી ચીંધવી તે યોગ્ય બાબત નથી.

આરતી સાંગાણીએ કુટુંબની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરતાં કુટુંબ અને સમાજમાં ભારેલો અગ્નિ છે. જો કે પિતા હજી પણ પુત્રી પરત આવે તો તેને સ્વીકારવા તૈયાર છે. તેની સામે આરતી સાંગાણી જાણે કશું બાકી રાખવા ન માંગતી હોય તેમ સોશિયલ મીડિયા પર એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટ કરીને ઠંડા પડતા મુદ્દામાં જાણે ચિનગારી પેટાવી છે. આરતીએ એવું લખ્યું છે કે હજારો બળાત્કારો સહન કરતો સમાજ એક પ્રેમલગ્ન સહન કરી શકતો નથી. આ સમાજની વાસ્તવિકતા છે. તેણે પાછું એમ પણ જણાવ્યું કે તેને અને તેના જીવનસાથીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

કેટલીય છોકરીઓએ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા છે તેનું શુંઃ Aarati Sangani
આરતીએ (Aarati Sangani) દાવો કર્યો હતો કે પટેલ સમાજની કેટલીય દીકરીઓ ભાગીને બીજી જ્ઞાતિમાં થાય છે અને કેટલાય દીકરાઓ બીજી જ્ઞાતિની છોકરી લાવે છે. તે સમયે તો સમાજ બહિષ્કારની વાત કરતો નથી. લોકો તો જાણે એવી વાત કરી રહ્યા છે કે હું વિશ્વની પહેલી યુવતી હોઉં જેણે પ્રેમલગ્ન કર્યા, લોકો મને શાંતિથી રહેવા દેવા માંગતા નથી. આ કેવો સમાજ છે જ્યાં દીકરી આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ કરી શકતી નથી. મારી ખુશી લોકોથી જોવાતી નથી, સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરવું જાણે લોકોનું એક કામ બની ગયું છે.

સામાજિક આગેવાનનો વળતો જવાબ
સામાજિક આગેવાન વિજય માંગુકિયા (Vijay Mangukiya) એ આરતીની વાતને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તારું જીવન તું તારી રીતે જીવ, પણ સમાજની સામે આંગળી ન ચીંધ. હજી છોકરાની ઉંમર 21 વર્ષની પણ થઈ નથી અને તે ભાગીને લગ્ન કર્યા છે, ઉંમર ઓછી હોવાથી પહેલાં તો આ કાયદેસરના લગ્ન જ ન કહેવાય તેટલી તને ખબર પણ લાગતી નથી. જો તમે પુખ્ત જ ન હોવ તો પછી લગ્ન કે મૈત્રી કરાર કરવા માટે સક્ષમ જ નથી. રહી બળાત્કારીઓની વાત, કોઈપણ સમાજ કોઈપણ બળાત્કારીને ક્યારેય સ્વીકારતો નથી. ફક્ત અમારો જ નહી, કોઈપણ સમાજ. હવે તું પૂછે છે કે મારા પ્રેમલગ્ન સામે અમને વાંધો છે, અમે કહીએ ચોક્કસ વાંધો છે. કોઈપણ દીકરી ભાગીને લગ્ન કરે તેની સામે અમને ચોક્કસ વાંધો છે, કારણ કે આ પ્રકારના લગ્નના કારણે સમાજની પરંપરા ખોરવાય છે. દીકરીઓને ઉડાન ભરવાની તાકાત આપવાનો અર્થ એવો નથી થતો કે માબાપની આબરૂને છડેચોક લીલામ કરવામાં આવે. યુવાન કે યુવતી તેમની રીતે જીવવા સ્વતંત્રત છે, પરંતુ તેમની સ્વતંત્રતા સમાજને નુકસાનકારક હોય તો સમાજ ક્યારેય આ વાત નહીં સ્વીકારે.
આ પહેલાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનો પણ આવો જ વિવાદ થયો હતો. 6 ડિસેમ્બર 2025ના રોજ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કર્યા બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો છે. આ નિર્ણય કાંકરેજના શિહોરી ખાતે યોજાયેલી સમાજની બેઠકમાં લેવામાં આવ્યો હતો. કિંજલે આનો જોરદાર વિરોધ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે, જ્યારે સમાજના આગેવાનો પોતાના નિર્ણય પર અડગ છે.
