Ahmedabad Jewellery Theft: અમદાવાદ શહેરમાં ચોરીના બનાવોએ નવી ખતરનાક રીત અપનાવી છે. હવે તસ્કરો બાળકને આગળ રાખીને વેપારીઓની નજર ચૂકવી ચોરી (Theft) ને અંજામ આપી રહ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ ચકચારી ઉઠાવતો બનાવ આનંદનગર વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં સામે આવ્યો છે, જ્યાં બાળકને ઢાલ બનાવી તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાનો વીડિયો સામે આવતા વેપારીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે.

બાળકને ઢાલ બનાવી ચોરી (Theft)
પ્રાપ્ત માહિતી મુજબ, આનંદનગર વિસ્તારમાં આવેલી શ્રી લક્ષ્મી જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાનમાં એક અજાણ્યો પુરુષ અને મહિલા આશરે 12 વર્ષના બાળક સાથે ગ્રાહક બનીને પ્રવેશ્યા હતા. સોનાની કાનની તથા નાકની કાંટીઓ જોવાની વાત કરી તેઓ દુકાનદારને વાતચીતમાં વ્યસ્ત રાખતા રહ્યા. એ જ સમયે સંકેત આપતાં જ બાળકએ અદભુત ચપળતા બતાવી સોનાની કાંટીઓ ભરેલી થેલી ઉઠાવી લીધી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વેપારીને જરાય શંકા પણ ન આવી, અને ચોરી નિર્વિઘ્ન રીતે અંજામ અપાઈ.

ચોરી (Theft)ની ઘટના CCTVમાં કેદ
થોડા સમય બાદ જ્યારે દુકાનમાં સોનાના દાગીનાની ગણતરી કરવામાં આવી ત્યારે આશરે ત્રણ લાખ રૂપિયાની સોનાની કાંટીઓ ગાયબ હોવાનું સામે આવ્યું. ચોરી (Theft)ની શંકા જતા તરત જ દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી, જેમાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક મહિલા અને પુરુષ દાગીના જોવાના બહાને દુકાનદારને વાતોમાં ઉલઝાવી રાખે છે, અને એ જ સમયે બાળકને સંકેત આપવામાં આવે છે. સંકેત મળતાં જ બાળક થેલી લઈને નિર્વિઘ્ન રીતે દુકાન બહાર નીકળી જાય છે.
પોલીસ તપાસ શરૂ
આ સમગ્ર મામલે દુકાન માલિકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે CCTV ફૂટેજને મુખ્ય આધાર બનાવી તસ્કર ટોળકીની ઓળખ અને ધરપકડ માટે ઝડપી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:માફિયાઓની નજર અધિકારીઓ પર! પંચમહાલમાં ખનન ચોરીનો ખતરનાક ખેલ!
આ પણ વાંચો: સતલાસણા APMC માર્કેટ યાર્ડમાં તસ્કરોએ મચાવ્યો આતંક, 10થી વધુ દુકાનોમાં ચોરી
આ પણ વાંચો: અનોખો ચોરઃ ગર્ભવતી પત્નીની દવાનો ખર્ચ ઉઠાવવા મંદિરોમાં ચોરી
