BJP Gujarat New Organization Meeting : ગુજરાત ભાજપે (BJP)પ્રદેશ સ્તરે નવું સંગઠન માળખું જાહેર કર્યા બાદ આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે. નવા સંગઠનની જાહેરાત પછી પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાનારી છે. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણીને લઈને રણનીતિ ઘડવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
BJP પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદેશ ભાજપ (BJP) પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં તાજેતરમાં નિયુક્ત થયેલા તમામ પદાધિકારીઓ હાજર રહેશે. બેઠક દરમિયાન તમામ નેતાઓનો પરિચય આપવામાં આવશે તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવશે.
નવા સંગઠન સાથે નવી જવાબદારીઓ
ભાજપ (BJP)ના નવા જાહેર કરાયેલા માળખામાં સંગઠનમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્ઞાતિ આધારિત સમીકરણો અને રાજકીય સંતુલન ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું
નવા સંગઠનમાં મહામંત્રી પદે અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને અજય બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે. આ ત્રણેય નેતાઓ પર સંગઠનને વધુ સશક્ત બનાવવા અને આગામી ચૂંટણી માટેની તૈયારી આગળ વધારવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય નવા માળખામાં કુલ 10 ઉપપ્રમુખ અને 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનમાં થયેલા આ ફેરફારોથી ભાજપ આવનારી ચૂંટણીમાં વધુ મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: ભાજપ ગુજરાત સંગઠનમાં મોટો ફેરફાર, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવી ટીમ જાહેર કરી
આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં તળિયાઝાટક ફેરફાર થવાની તૈયારી
આ પણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે
