MANTAVYA Vishesh/ મહેશ વસાવા ભાજપનો ‘ટેસ્ટ’ કરી આવ્યા હતા, હવે કોંગ્રેસનો ‘સ્વાદ’ ચાખેઃ છોટુભાઈ વસાવાનો કટાક્ષ

મહેશ વસાવા જે પણ કહે પણ તેમનો પક્ષપલ્ટો તેમના પિતા છોટુભાઈ વસાવાને માફક આવ્યો નથી. મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાવવાના પગલે તેમના પિતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ફક્ત ભરૂચ જ નહીં ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સત્તા માટે જે વ્યક્તિ કબીલો બદલી શકે તે નાસમજ સત્તા માટે પક્ષ બદલે તેમા નવાઈ પામવા જેવું કશું નથી.

Mantavya Vishesh

જાણીતા આદિવાસી નેતા મહેશ વસાવાએ તાજેતરમાં જ કોંગ્રેસને ખેસ ધારણ કર્યો છે. એક સમયે આ જાણીતા આદિવાસી નેતા મહેશ વસાવા લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં પણ જોડાયા હતા.પણ પક્ષમાં તેમને મહત્વનું સ્થાન ન મળતાં તેમણે નવ મહિના પહેલાં ભાજપ પ્રમુખ સી આર પાટિલને તેમનું રાજીનામુ મોકલી આપ્યું હતું. તેઓ ઝઘડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર છે અને ડેડિયાપાડાના પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

તેમણે કોંગ્રેસમાં જોડાતી વખતે દાવો કર્યો હતો કે સમાજમાં કચડાયેલા વર્ગનો અવાજ બનવા માટે હું લઘુમતીમાં જોડાયેલો છું. હું જળ, જમીન અને જંગલની લડાઈ કોંગ્રેસમાં રહીને લડીશ. આ બધાને બચાવવા માટે લડીશ. આદિવાસીઓને હક્કો અપાવવા માટે લડીશ. તેની સાથે તેમણે આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા અને તેને ભાજપની બી ટીમ ગણાવી હતી.

મહેશ વસાવા જે પણ કહે પણ તેમનો પક્ષપલ્ટો તેમના પિતા છોટુભાઈ વસાવાને માફક આવ્યો નથી. મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાવવાના પગલે તેમના પિતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ફક્ત ભરૂચ જ નહીં ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સત્તા માટે જે વ્યક્તિ કબીલો બદલી શકે તે નાસમજ સત્તા માટે પક્ષ બદલે તેમા નવાઈ પામવા જેવું કશું નથી. તેમણે જણાવ્યું હતું કે તે આવું જ કહીને ભાજપનો સ્વાદ ચાખી આવ્યા હતા, પરંતુ ત્યાં સત્તારૂપી તરણું મળ્યું નથી, એટલે હવે કોંગ્રેસનો સ્વાદ ચાખવા કોંગ્રેસમાં જોડાયા છે. હા, ભાઈ હવે તે કોંગ્રેસનો પણ સ્વાદ ચાખી લે. રાષ્ટ્રીય પક્ષોમાં ટૂંક સમયમાં કેટલા વીસે સો થાય છે તેની ખબર પડી જશે.

એક પિતાના આ શબ્દોમાં પુત્રના મૂલ્યવિહીન રાજકારણ સામેનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. છોટુભાઈ વસાવા હંમેશા આદિવાસીઓના હક્કો માટે લડતા રહ્યા છે અને આદિવાસી હક્કો અને આદિવાસીઓનું કલ્યાણ હંમેશા પ્રાથમિકતા રહ્યા છે. તેઓ તો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી પટ્ટાને લઈને ભીલીસ્તાન નામનું રાજ્ય બનાવવાની માંગ પણ કરી ચૂક્યા છે. આના પરથી જ તેમના આદિવાસી રાજકારણનો ખ્યાલ આવી જાય છે. તેઓ આદિવાસી એક્તાના પણ હિમાયતી રહ્યા છે.

આના પગલે જ તેમણે પુત્ર મહેશ વસાવા સાથે મળીને બીટીપી પાર્ટીની સ્થાપના કરી હતી. તે સમયે તેમનું ધ્યાન આદિવાસી એક્તા તરફ હતુ, તેમના આદિવાસી પ્રશ્નો પર ધ્યાન આપવાના વલણના કારણે સરકારે પણ આદિવાસીઓના પ્રશ્નો પર ધ્યાન આપવું પડ્યું હતું. તેમણે આદિવાસીઓના પ્રશ્નોને લઈને સંગઠનાત્મક ધોરણે સરકારમાં સતત રજૂઆત કરતા અને તેના પ્રશ્નો ઉઠાવવા માંડતા સરકારે પણ તેના પર ધ્યાન આપવાની ફરજ પડી હતી.

છોટુભાઈ વસાવાના આદિવાસી પક્ષનો પ્રભાવ આજે પણ રાજ્યના આદિવાસી પટ્ટામાં છે. છોટુ વસાવાનું સપનું છે કે ભીલીસ્તાન નામનું આદિવાસી રાજ્ય સ્થપાય. તેઓ સતત આ માટે ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસીઓમાં રાજકીય ચેતના જગાવવામાં વ્યસ્ત છે. પક્ષની સ્થાપનામાં તેમનો પુત્ર મહેશ વસાવા પણ તેમની જોડે હતા.

છોટુભાઈ વસાવાનું ધ્યેય આદિવાસીઓનું કલ્યાણ છે. તેઓ આદિવાસીઓના કલ્યાણના રાજકીય મૂલ્યોને વરેલા છે અને તેમની ઇચ્છા હતી કે તેમનો પુત્ર પણ આ જ રસ્તે ચાલે. તેથી જ પિતાપુત્રએ BTP નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો. પણ તેમા મહેશ વસાવાને પક્ષ ચલાવવાની પિતાની પદ્ધતિ સાથે વાંધો પડ્યો, છોટુભાઈ વસાવાનું આદિવાસી મૂલ્યોને સમર્પિત રાજકારણ મહેશ વસાવાને માફક ન આવ્યું. છોટુભાઈ વસાવા રાજકીય લાભ માટે મૂલ્યો સાથે અને સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન કરનારા નથી.

જ્યારે મહેશ વસાવાને તેમના પિતાની બાંધછોડ ન કરવાની નીતિ માફક આવી નથી. બંને જણા પક્ષનું સંચાલન કરતા હતા ત્યારે પણ પિતાપુત્રને પક્ષના સંચાલનને લઈને ગજગ્રાહ રહેતો હતો. સિદ્ધાંતવાદી વ્યક્તિ હોવાના કારણે છોટુભાઈ વસાવા આદિવાસીઓની કલ્યાણની વિચારધારા સાથે સમર્પિત હોય તેવા નેતાને પસંદ કરવાનો આગ્રહ રાખતા હતા, તેની સામે મહેશ વસાવા માનતા હતા કે પક્ષ ચલાવવો હોય તો અમુક સમાધાન તો કરવા જ પડે, મૂળભૂત સિદ્ધાંતો જરૂરી છે પરંતુ તેમના પિતાની જેમ આદિવાસી આગેવાનને વળગી રહેવાની વાત પર આધારિત રહીએ તો તેમનો પક્ષ ક્યારેય આદિવાસી પટ્ટાની બહાર જ નીકળી નહી શકે.

આમ મહેશ વસાવા પિતાથી વિપરીત પક્ષને પ્રેક્ટિકલ બનીને ચલાવવા માંગતા હતા. તેના કારણે પક્ષના સંચાલનને લગતી દરેક પ્રકારની બાબતને લઈને પિતાપુત્રને સતત ઘર્ષણ થતું રહેતું હતું. છેવટે મહેશ વસાવાને લાગ્યું કે તેમના પિતા જે પ્રકારનું રાજકારણ કરે છે તેમા તે ક્યારેય ફિટ થઈ શકે તેમ નથી. તેના લીધે તેમણે પક્ષ છોડ્યો હતો. જો કે પુત્રના ગયા પછી પણ છોટુ વસાવાએ તો પોતે આદિવાસી રાજકારણ જારી જ રાખ્યું છે.

મહેશ વસાવાએ ત્યારબાદ અનેક પક્ષ બદલ્યા તે અંગે છોટુભાઈ વસાવા સ્પષ્ટપણે માને છે કે તેઓને આદિવાસી કલ્યાણની કોઈ ચિંતા નથી. તેમને ફક્ત સત્તાની જ લાલસા છે. જો તે ખરેખર સત્તાને નહીં પણ આદિવાસી કલ્યાણને વરેલા હોત તો તેમણે પોતે જે પક્ષ સ્થાપ્યો છે તેને છોડવાની જરૂર ક્યાં હતી. મારી ઉંમર થઈ છે, મારા પછી આ પક્ષ તેમણે જ સંભાળવાનો હતો. પણ એક વખત કોઈ વ્યક્તિ મૂલ્ય ત્યજે પછી દરેક પક્ષમાં તે સત્તા માટે જ વલખા મારે છે. હું આજે પણ આદિવાસી કલ્યાણને લઈને અડગ ઊભો છું અને હંમેશા આદિવાસીને લગતી વાત પર અડગ રહું છું. પછી મારા પક્ષને ચૂંટણીમાં વિજય મળે કે ન મળે, બેઠક મળે કે ન મળે, પરંતુ હું ક્યારેય મારા મૂલ્યો માટે સમાધાન કરતો નથી. જ્યારે મારો જ પુત્ર આ પ્રકારનું પગલું ભરે તો બીજા કોઈ કરતાં વિશેષ દુઃખ તો મને જ વધારે થાય છે. તમે જો મૂલ્યોને વરેલા રહો છો તો સત્તા પણ તમારી આગળ પાણી ભરે છે, પણ જો તમે મૂલ્યવિહીન થઈ જાવ તો સત્તા કે જે પક્ષમાં હોવ તે કહે તેમ કરવું પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો