ગુજરાતમાં તાજેતરમાં જ કિંજલ દવે (Kinjal Dave) એ સમાજની બહાર લગ્ન કર્યા અને તેને લઈને તેના સમાજે તેના કુટુંબને નાત બહાર મૂક્યુ. તેનો મોટાપાયા પર વિવાદ પણ થયો છે. કિજંલ દવેએ પણ તેનો તેના સમાજને વળતો જવાબ આપ્યો છે. આ વાત કિંજલ દવે અને તેમના સમાજની થઈ, પરંતુ હવે રાજ્ય સરકાર રાજ્યમાં થતાં પ્રેમલગ્નો અને મૈત્રી કરારો પર આકરો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે.
રાજ્ય સરકાર પર વિવિધ સમાજોનું સતત તે વાતનું દબાણ વધી રહ્યુ છે કે માબાપની સંમતિ વગર થતાં લગ્નોને લઈને રાજ્ય સરકાર કંઇક કરે. દરેક સમાજના આગેવાનો આ માટે રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓને સતત મળી રહ્યા છે. વાત ફક્ત કિંજલ દવે પૂરતી જ સીમિત નથી, દરેક સમાજ માને છે કે તેમની દીકરી માબાપની મંજૂરી વગર કોઈપણ સ્થળે પ્રેમલગ્ન કરી ન શકવી જોઈએ. આના કારણે રાજ્ય સરકાર પણ હવે લગ્નો અને મૈત્રી કરારોને લઈને સાવધ બની છે.
રાજ્ય સરકારના કુટુંબ કલ્યાણના ખાતાએ આ મુદ્દે સઘન વિચારવા માંડ્યો છે. તેની પાછળનું કારણ પણ એ છે કે આ પ્રકારના લગ્નોના કારણે સરકારના તંત્રનો ઘણો સમય અને આ સંસાધનો આ બધા પાછળ ખર્ચાય છે. હવે રાજ્યમાં પ્રેમલગ્નો અને મૈત્રી કરારોનું પ્રમાણ જેમ વધ્યું છે તેમ છૂટાછેડાના કેસો પણ વધ્યા છે. એક વર્ષમાં 60 હજાર ગુજરાતીઓએ છૂટાછેડા (Divorce) લીધા, આ બાબત તેનો પુરાવો છે કે ગુજરાતીઓનું લગ્નજીવન જાણે કાચા સૂતરના તાંતણે લટકીને રહ્યું છે.
તાજેતરમાં જ એક જ ગામના તલાટીએ અઢી હજાર લગ્નો કરાવ્યા હોવાનો પર્દાફાશ થયો હતો. આ બતાવે છે કે લગ્નોને લઈને કયા પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે. કેવી રીતે બોગસ-બોગસ લગ્નો નોંધાઈ રહ્યા છે. આગળ જતાં તેમા કોર્ટ કેસો થાય અને તેનો ભરાવો થાય તે તેની જવાબદારી કોની. તલાટી તો કાલે નિવૃત્ત થઈ જશે અને નવો તલાટી આવશે તે હાથ અદ્ધર કરી દેશે.
આ બધુ જોઈને સરકારે હવે નિર્ણય લઈ લીધો છે કે આના પર અંકુશ તો લાવવો જ પડશે. ટૂંક સમયમાં તેની ડ્રાફ્ટ ગાઇડલાઇન ઘડાઈ શકે છે. તેના હેઠળ લગ્નની નોંધણીની સાથે પ્રેમલગ્નમાં માબાપની ફરજિયાત સંમતિ, મૈત્રી કરાર, લિવ ઇન-રિલેશનશિપ (Live In Relation) ને આવરી લેવામાં આવી શકે છે. આ ઉપરાંત લગ્ન થાય ત્યારે તેના લગ્ન પ્રમાણપત્રમાં યુવતી તેના માબાપને ત્યાં રહેતી હોય તેનું સરનામું પણ ફરજિયાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત માતાપિતાની સંમતિ ન હોય તેવા લગ્નમાં સરકારના સક્ષમ અધિકારી ખાસ્સી ચકાસણી કર્યા પછી આ લગ્ન માટે મંજૂરી આપશે. પણ આ ચકાસણી કયા પ્રકારની હશે, તેના માટે સક્ષમ અધિકારી એટલે કયા વર્ગનો અધિકારી હશે, ક્લાસ વન ઓફિસર હશે, વર્ગ-બે કે વર્ગ-ત્રણનો અધિકારી હશે અને આ તપાસનો સમયગાળો કેટલા સમયનો હશે તેના અંગે હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
આ ઉપરાંત મા-બાપની સંમતિ વગરના પ્રેમલગ્નની અલગ કેટેગરી રાખવી, આંતરજ્ઞાતીય, આંતરજાતીય, લિવ-ઇન રિલેશનશિપ, મૈત્રી કરાર વગેરે જુદી-જુદી કેટેગરીઓ રાખવી કે નહી તેના પર પણ સઘન વિચારણા કરવામાં આવી રહી છે. તેની સાથે નોર્મલ લગ્નો એટલે કે સામાજિક રીતરિવાજો મુજબ થતાં લગ્નોની પણ અલગ કેટેગરી રાખવા વિચાર થઈ રહ્યો છે. જો કે આ બાબત હજી પણ વિચારણાના જ તબક્કે છે.
તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રતિનિધિઓની આ મુદ્દે સઘન ચર્ચા થઈ હતી અને આ બેઠક ઘણી લાંબી ચાલી હતી. તેના પરથી જ તેના મહત્વનો અંદાજ આવી જાય છે. આગામી દિવસમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાય તેવી સંભાવના ચાલી રહી છે. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ સહિત રાજ્યના વિવિધ સમાજોએ તો જાતિ બહારના લગ્નો સામે રણશિંગ જ ફૂંક્યું છે. દરેક સમાજે આ મુદ્દે સરકારને ચેતવણી આપી છે. દરેક સમાજના પ્રતિનિધિ આ મુદ્દે સરકારને મળી ચૂક્યા છે.
આ દિશામાં કમસેકમ ભાગીને થતાં લગ્ન (Marraige) પર તો સરકાર લગામ લાવી જ શકે છે. આ પ્રકારના લગ્નની નોંધણી જ માબાપની મંજૂરી વગર નહીં થાય તેવો કાયદો સરકાર લાવી શકે છે. આમ હવે માબાપને તડકે મૂકીને જો કોઈએ લગ્ન કર્યા તો મંજૂરી નહીં મળે. તેથી પ્રેમલગ્ન કરવા માબાપની મંજૂરી ફરજિયાત બની શકે છે. સુધારેલા નિયમો મુજબ પ્રેમલગ્નમાં લગ્નની નોંધણીના 30 દિવસ પહેલા બંનેના માબાપને નોટિસ મોકલવામાં આવશે. તેઓએ 30 દિવસમાં તેનો જવાબ આપવાનો રહેશે. આ સિવાય યુવતીના આધાર કાર્ડમાં જે સરનામુ હશે તે જ સરનામે તેની નોંધણી થશે.
આ કાયદો બનાવવાની દિશામાં આગળ વધવા માટે કાયદા મંત્રી અને ધારાશાસ્ત્રીઓની બેઠક થવાની છે. કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય પણ આ મુદ્દે લેવામાં આવશે. આ અંગે ભૂતપૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે જે દીકરીને માબાપે પાળીપોષીને 20થી 25 વર્ષની કરી હોય તે પછી આ રીતે પ્રેમલગ્ન કરીને ભાગી જાય અને પછી પોલીસમાં ફરિયાદ થાય ત્યારે પોલીસમાં મળે ત્યારે તે માબાપને ઓળખતી પણ નથી તેવું પ્રેમીના દબાણ હેઠળ કહેતી હોય છે. હવે જો તેના બદલે કાયદો જ બનાવી દેવાય કે માબાપની સંમતિ વગર દીકરી કે દીકરો પ્રેમલગ્ન કરી જ નહીં શકે તો પછી માબાપને આવું જોવાના દિવસ પણ ન આવે.
આ ઉપરાંત રાજ્યમાં લિવ ઇન અને મૈત્રી કરારનો પણ વ્યાપ વધ્યો છે. તેને કોઈ કાયદાકીય આધાર ન હોવાથી આ સંબંધોમાં પણ શોષણ યુવતીનું જ થતું હોય છે. તેની પાસે કોઈ કાયદાકીય સમર્થન ન હોવાથી વળતર પણ મળતું નથી. હવે જો આ બધુ વસ્તુ કાયદાના કાર્યક્ષેત્રમાં વણી લેવાય તો પ્રેમલગ્નમાં માબાપની સંમતિ ફરજિયાત થતાં તેઓ દીકરીને લઈ નિશ્ચિંત થાય, બીજું મૈત્રીકરાર અને લિવ ઇન પણ કાયદાકીય ક્ષેત્રમાં આવતા કોર્ટો પર નાની-નાની વાતે ખડકાતા બિનજરૂરી કેસોનો બોજો પણ ન ખડકાય.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
