Ahmedabad: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી બાદ મોટો મતદાર યાદી વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચાલતા ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ વિસ્તારમાં રહેનારા અનેક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
શહેજાદખાન પઠાણે ભાજપના કાર્યકર્તાઓ સામે ગંભીર આરોપ લગાવ્યા
દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે ભાજપના કાર્યકર્તાઓ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ નંબર 7ની ડમી અરજીઓ કરીને ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાવવામાં આવ્યા છે. આ મામલે તેમણે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી હતી.
શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન બાદ ઘણા લોકો બેઘર બન્યા છે. કેટલાક લોકો સંબંધીઓના ઘરે રહેવા ગયા છે, તો કેટલાક લોકો ફૂટપાથ પર જીવન ગુજારી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને EWS મકાન આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી ઘણા લોકોને આવાસ મળ્યો નથી. આ દરમિયાન તેમના મતદાર અધિકાર છીનવાઈ જવું ગંભીર બાબત હોવાનું તેમણે જણાવ્યું.
મતદાર યાદીમાંથી દૂર કરવાના પ્રયત્નો
વિપક્ષના નેતાએ વધુમાં કહ્યું કે ચંડોળા તળાવ વિસ્તારના નાગરિકો ભારતીય નાગરિક છે અને તેમને બંધારણ મુજબ મતદાનનો અધિકાર છે. હાલ તેઓ પાસે નવા રહેઠાણના પુરાવા ન હોવા છતાં ચંડોળામાં રહેલા હોવાના યોગ્ય પુરાવા છે. તેમ છતાં તેમની જાણ વગર ફોર્મ નંબર 7 ભરી તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા આ વિસ્તારમાં ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બે દિવસનો કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકો પોતાના પુરાવા આપી નામ યથાવત રાખી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં પણ ડમી અરજીઓ દ્વારા અનેક લોકોના નામ દૂર કરવામાં આવ્યા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
શહેજાદખાન પઠાણે ચૂંટણી કમિશનરને અપીલ કરી
શહેજાદખાન પઠાણે ચૂંટણી કમિશનરને અપીલ કરી છે કે જ્યાં સુધી સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્થાપિતોને કાયમી આવાસ ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમનો મતદાન અધિકાર છીનવવો જોઈએ નહીં. તેમણે માંગ કરી છે કે તમામ નામોની પુનઃચકાસણી કરી હાલના બુથમાં નામ યથાવત રાખવામાં આવે.
વિપક્ષે ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોર્ટનો સહારો લઈને કાયદાકીય લડત શરૂ કરવામાં આવશે. આ મુદ્દો હાલ રાજકીય રીતે ગરમાયો છે અને આગામી દિવસોમાં ચૂંટણી પંચ તથા સરકારની પ્રતિક્રિયા મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ને નવી જવાબદારી
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
આ પણ વાંચો:કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ
