Narhari Amin Ahmedabad Controversy: અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા હોટેલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે 8 ફેબ્રુઆરીના રોજ ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના સેંકડો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ સર્જ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
Narhari Aminની રજૂઆત બાદ કટ બંધ કરાયો?
સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસ તંત્ર દ્વારા આ ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કટ બંધ થવાને કારણે ન્યુ ત્રાગડ અને ચાંદખેડા તરફ જતા વાહનચાલકોને 3થી 4 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે લોકોએ રસ્તો રોકીને ‘સિગ્નેચર કેમ્પેઇન’ શરૂ કર્યું હતું.

અડધો કિમી લાંબો ટ્રાફિક જામ
વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જવાના રોડ પર લોકોએ વિરોધ પ્રદર્શન કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી. અંદાજે અડધો કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક દૂર કરવા જતાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. વિરોધમાં જોડાયેલી મહિલાઓએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ બાબતે કોઈ રસ લેતા નથી.”

રાજકારણ ગરમાયું
સ્થાનિક નાગરિકોના આ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. લોકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં આ કટ ફરી ખોલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈ NH પર 10 KM ટ્રાફિક : બામણગામ બ્રિજ પર ટ્રાફિકજામ,જામ્બુવા બ્રિજ પર ખાડા
આ પણ વાંચોઃ અમરેલી: સોમનાથ-ભાવનગર ને.હાઇવે પર ટ્રાફિકજામ, રાજુલાના હિંડોરણા ગામના પુલ પર ટ્રક બંધ પડતા ટ્રાફિક સર્જાયો
આ પણ વાંચોઃ કિસાન આંદોલનના લીધે નોઈડા-કાલિંદી કુંજ બોર્ડર પર 5 KMનો ટ્રાફિક જામ યથાવત
