Junagadh News:ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર ભવનાથ મહાદેવના મેળામાં મહાશિવરાત્રિના અંતિમ દિવસે એક એવી ઘટના બની છે જેણે સમગ્ર સાધુ-સંત સમાજને આઘાતમાં મૂકી દીધો છે. વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે (Kirti Patel) શાહી સ્નાનના સમયે ભગવા વસ્ત્રો પહેરીને સીધી મૃગીકુંડમાં ઘૂસીને સાધુઓની વચ્ચે ડૂબકી લગાવી દીધી. આ ઘટનાના વીડિયો વાયરલ થતાં જ સંતોમાં રોષની આગ ભભૂકી ઊઠી છે.

કીર્તિ પટેલે (Kirti Patel) કહ્યું હું સનાતની છું
મહાશિવરાત્રિ 2026ના મેળાનો અંતિમ દિવસ હતો. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોનું શાહી સ્નાન શરૂ થયું. આ સમયે કીર્તિ પટેલ ભગવા કપડાંમાં ત્યાં પહોંચી અને સીધી કુંડમાં ઉતરી ગઈ.સાધુઓની વચ્ચે તેને સ્નાન કરતી જોઈને હાજર લોકોમાં હલચલ મચી ગઈ.તંત્રે તાત્કાલિક પોલીસને સૂચના આપી અને મહિલા પોલીસ કર્મચારીઓએ તેને કુંડમાંથી બહાર કાઢી દીધી.કીર્તિ પટેલે (Kirti Patel) ઘટના પછી મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું, “હું સનાતની છું. શું મને પણ સ્નાન કરવાનો અધિકાર નથી?” પરંતુ સાધુ સમાજ આ વાતને સ્વીકારવા તૈયાર નથી.

મેંદરડાના સુખરામદાસ બાપુએ પરંપરાના અપમાનની વાત કરી
મેંદરડાના પ્રસિદ્ધ સુખરામદાસ બાપુએ આ ઘટના પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “રવેડી પછી સાધુ-સંતો જ્યારે શાહી સ્નાન કરે છે ત્યારે સાધુના કપડાં પહેરીને કેટલાક લોકો સ્નાન કરે છે તે જોઈને ખરેખર દુઃખ થાય છે. આ પરંપરાનું અપમાન છે.”અન્ય સાધુઓએ પણ સવાલ કર્યો કે, “કયા અખાડાએ કીર્તિ પટેલને આમંત્રણ આપ્યું હતું? શાહી સ્નાન તો માત્ર સાધુ-સંતો માટે જ હોય છે.”
જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “આ બાબતે અમે સાધુ-સંતો સાથે ચર્ચા કરીશું. જો કોઈ ગેરકાયદેસર કૃત્ય થયું હોય અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોય તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે.”સુરતમાં રહેતી કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. ટિકટોકથી શરૂ કરીને ઇન્સ્ટાગ્રામ-યુટ્યુબ સુધી તેની હાજરી છે. પરંતુ તેની સાથે વિવાદો પણ અવિરત ચાલુ છે.

આ પહેલા કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં ડિસેમ્બર 2025માં PASA હેઠળ એક મહિનો તે વડોદરાની જેલમાં રહી હતી. આ પછી જેલમાંથી બહાર આવીને તે ધુરંધર મુવીના સોંગ પર રીલ બનાવીને વાયરલ થઈ હતી.સુરતના પરવત પાટિયા વિસ્તારમાં મહેસાણાના કીર્તિભાઈ પટેલ અને તેમની પત્ની મંજુલાબેનનો 20 લાખથી વધુનો ફ્લેટ કીર્તિ પટેલે (Kirti Patel) 6 વર્ષથી પચાવી પાડ્યો હતો. દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટરને અરજી કરીને ન્યાય માગ્યો હતો.
આ પણ વાંચો:ભવનાથ તળેટીમાં જામશે ભક્તિનો મેળો! 11 ફેબ્રુઆરીથી ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ
