Today Special: મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ આજે 19 ફેબ્રુઆરી 2026 (Chatrapati Shivaji Maharaj Jayanti, 19 February 2026) ના રોજ ઉજવવામાં આવશે. પ્રતિવર્ષ એને શિવાજીના સન્માનમાં ઉજવવામાં આવે છે.
શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્ય (Maratha Empire)નો પાયો નાખ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજને ‘હિન્દુ હૃદય સમ્રાટ’ અથવા ‘મરાઠા ગૌરવ’ તરીકે સન્માન આપવામાં આવે છે.
આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ (Chatrapati Shivaji Maharaj Jayanti)
રાષ્ટ્રવાદના જીવંત પ્રતીક સમા શિવાજી રાજેએ હિંદુ સામ્રાજ્યની સ્થાપના માટે કેવળ 15 વર્ષની ઉંમરે પહેલું આક્રમણ કરીને મુઘલ અને બીજાપુર સલ્તનત (Mughal Empire and Bijapur Sultanat)ના પાયા હચમચાવી નાખ્યા હતા.
મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને એક મહાન યોદ્ધા એવા છત્રપતિ શિવાજી મહારાજ ઇતિહાસનું એક અમર પાત્ર છે. મુઘલ અને બીજાપુર સલ્તનત સામે તેમણે છાપામાર યુદ્ધ અર્થાત્ ગેરીલા પદ્ધતિ(Guerrilla Warfare)થી ‘હિન્દવી સ્વરાજ્ય’ (Hindvi Swaraj) ની સ્થાપના કરી હતી અને ચોમેર ભગવો લહેરાવ્યો હતો. જાણીએ એમની જીવનયાત્રા વિશે…

છત્રપતિ શિવાજીનું બાળપણ
આ પ્રતાપી મરાઠા યોદ્ધાનો જન્મ વર્ષ 1630 ના 19 ફેબ્રુઆરી એ રોજ મહારાષ્ટ્રના પૂણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો. જો કે, અમુક ઇતિહાસકારો એમના જન્મનું વર્ષ 1627 હોવાનું પણ માને છે. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઈ (Shahaji Bhosale and Jijabai) હતા. તેમના પિતા બીજાપુરના દરબારમાં ઉચ્ચ અધિકારી પદે હતા.
માતા જીજાબાઈ પણ એક કુશળ યોદ્ધા હતી બાળ શિવાજીને રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવતા અને આ દરમિયાન, નીતિ અને પરાક્રમના ગુણોનો સંચાર થયો હોવાનું માનવામાં આવે છે. એમના ઘડતરમાં એમની માતાનું અમૂલ્ય પ્રદાન હોવાની ગવાહી ઇતિહાસ પૂરે છે. શિવાજી થોડા મોટા થયા ત્યારે દાદા કોંડદેવ (Dada Konddev)ના હાથ નીચે એમને શસ્ત્રવિદ્યા અને વહીવટી કૌશલ્યનું જ્ઞાન મળ્યું.
શિવનેરીનો કિલ્લો પુણેની ઉત્તરે જુન્નર શહેર પાસે સ્થિત હતો જ્યાં તેમનું બાળપણ રામાયણ, મહાભારત, રાજા રામ, ગોપાલ, સંતો વગેરેની કથાઓ સાંભળતા સાંભળતા સત્સંગમાં વીત્યું હતું. આ ઉપરાંત, તેઓ તમામ કળાઓમાં પાવરધા હતા, તેમણે બાળપણમાં રાજકારણ અને યુદ્ધનીતિનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ.

મુઘલ અને બીજાપુર સલ્તનતના પાયા હચમચાવ્યા
મુઘલ અને બીજાપુર સલ્તનત સામે તેમણે છાપામાર યુદ્ધ અર્થાત્ ગેરીલા પદ્ધતિ (Guerrilla Warfare)થી ‘હિન્દવી સ્વરાજ્ય’ની સ્થાપના કરી હતી અને ચોમેર ભગવો લહેરાવ્યો હતો.
શિવાજીએ માત્ર 15-16 વર્ષની ઉંમરે તોરણા કિલ્લાથી ફતેહની શરૂઆત કરીને સ્વરાજ્યનું સપનું સાકાર કરવાની દિશામાં આગેકૂચ કરી અને કોંડાણા, સિંહગઢ અને બીજાપુર સલ્તનતના અનેક કિલ્લાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. રાયગઢમાં એમનો રાજ્યાભિષેક થયો અને ભારતીય ઈતિહાસમાં એક આદર્શ શાસક તરીકે પ્રખ્યાત થયા.
વીર તાન્હાજીના માનમાં શિવાજીનું કથન
સિંહગઢના કિલ્લાને જીતવા માટે તેમણે એમના જમણા હાથ સમાન તાનાજી માલૂસરે ને મોકલ્યા. પોતાના પુત્રના લગ્ન છોડીને યુદ્ધમેદાનમાં ઉતરેલા શિવાજી મહારાજના અત્યંત વિશ્વાસુ અને બહાદુર મરાઠા સેનાપતિ તાનાજીએ વર્ષ 1670 માં કોંઢાણા (સિંહગઢ)નો કિલ્લો તો જીતી લીધો પણ લડાઈ દરમિયાન તેમણે વીરગતિ મેળવી હતી. શિવાજીની પ્રખ્યાત પંક્તિઓ ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ અર્થાત્ “કિલ્લો જીતી લીધો, પણ સિંહ છોડી ગયો!” વીર તાન્હાજી (Tanhaji) ના માનમાં કહેવાઇ હતી.
મુખ્ય યુદ્ધો અને રાજકીય ઘટનાઓ
અફઝલ ખાનનો વધ
1659માં ઓરંગઝેબના ખાસ અને બીજાપુરના સેનાપતિ અફઝલ ખાન (Afzal Khan) સાથે પ્રતાપગઢ નજીક મુલાકાત કરીને શિવાજીએ પોતાના વાઘનખનો ઉપયોગ કરીને, ચતુરાઇ અને બહાદુરીથી મારી નાખ્યો હતો.
શાહીસ્તે ખાનને ભગાડ્યો
1663માં પુણેના કિલ્લા પર રાત્રે હુમલો કરીને મુઘલ સેનાપતિ શાહીસ્તે ખાનને ભગાડી મૂક્યો અને કિલ્લો પોતાના તાબા હેઠળ લઇ લીધો.
મુઘલ તાબા હેઠળના સુરતને લૂંટ્યું
વર્ષ 1664માં અને ફરીથી વર્ષ 1670માં સુરત (Surat) પર હુમલો કરીને એના મુઘલ ખજાના પર કબજો કર્યો હતો. આ યુદ્ધને ‘સુરતના કોથળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે નવોદિત મરાઠા રાજ્યનું નેતૃત્વ કરતા શિવાજી અને મુઘલ સેનાપતિ ઇનાયત ખાન વચ્ચે થયું હતું.
ઓરંગઝેબની કેદમાંથી ભાગી છૂટ્યા
1666માં મુઘલ બાદશાહ (Aurangzeb) દ્વારા કેદ કરાયા બાદ, શિવાજી રાજે પોતાના પુત્ર સંભાજી (Sambhaji) સાથે યુક્તિપૂર્વક મીઠાઈની ટોપલીઓમાં છુપાઈને આગ્રાથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

છત્રપતિની પદવી પ્રાપ્ત કરી
1674માં રાયગઢ કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેઓ ‘છત્રપતિ શિવાજી’ ના નામે પ્રખ્યાત થયા.
શિવાજીના ‘સ્વરાજ’ના વિસ્તારના 3 મુખ્ય ભાગો
1. પેશ્વા મોરોપંત પિંગલેના નિયંત્રણ હેઠળનો પૂણે (Pune)થી સાલ્હાર સુધીનો કોંકણનો વિસ્તાર, જેમાં ઉત્તર કોંકણનો પણ સમાવેશ થાય છે.
2. અન્નાજી દત્તના શાસન હેઠળનો દક્ષિણ કોંકણનો ઉત્તર કિનારા સુધીનો વિસ્તાર બીજો મુખ્ય ભાગ હતો.
3. દત્તાજી પંતના નિયંત્રણ હેઠળના સતારાથી ધારવાડ અને કોફલ સુધીના વિસ્તાર, જે દક્ષિણ પૂર્વીય ક્ષેત્ર હેઠળ આવતો હતો.
આ 3 મુખ્ય પ્રાંતોને પરગણા અને તાલુકાઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.
‘અષ્ટપ્રધાન મંડળ’ની રચના-વહીવટી વ્યવસ્થાપનના અઠંગ ગુણ
છત્રપતિ શિવાજી મહારાજે આઠ મંત્રીઓના બનેલા ‘અષ્ટપ્રધાન મંડળ’ સંચાલિત સક્ષમ શાસન વ્યવસ્થા સ્થાપી. શિવાજી એક કુશળ શાસક અને સક્ષમ સેનાપતિ હતા. તેમની ક્ષમતાના બળે શિવાજીએ મરાઠાઓને સંગઠિત કર્યા હતા અને એક આગવા મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેમના રાજ્યની શાસકીય વ્યવસ્થા માટે શિવાજીએ 8 મંત્રીઓની નિમણૂક કરેલી જે પૈકી પેશ્વા (Peshva)નું પદ સૌથી મહત્વપૂર્ણ હતું. મરાઠા રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન વેરો હતો.
મરાઠા શાસન પદ્ધતિના આઠ મુખ્ય પદ
1. પેશ્વા (જે વડાપ્રધાનની સમકક્ષ હતા)
2. અમાત્ય (જેમનું બીજુ નામ મજુમદાર હતુ)
3. મંત્રી
4. સચિવ
5. સેનાપતિ
6. સુમંત
7. પંડિત રાવ
8. ન્યાયાધીશ
વીર શિવાજી મહારાજનું નામ ભારતીય ઇતિહાસમાં અંકિત
વીર શિવાજી મહારાજનું નામ એક કુશળ સેનાપતિ ઉપરાંત, દયાળુ રાજા તરીકે ભારતીય ઇતિહાસ (Indian History)માં અંકિત થયેલું છે. તેઓ એક ધર્મનિરપેક્ષ શાસક હંમેશાથી રહ્યા હતા અને મહિલાઓનું સન્માન, ધાર્મિક સહિષ્ણુતા અને ખેડૂતોની વિશેષ દરકાર રાખતા હતા.
શિવાજીના સમયમાં મરાઠા એક પ્રભુત્વ ધરાવતો સમુદાય હતો પરંતુ મોટાભાગના લોકો નિઝામશાહી હેઠળ કામ કરતા હતાય એ પહેલા મરાઠા સમુદાય પૈકી કોઇ પણ યોદ્ધાએ કે પદાધિકારીએ રાજવી બનવાનો પ્રયત્ન નહતો કર્યો! શિવાજીએ મુઘલ બાદશાહ ઓરંગઝેબની સામે પડીને પોતાનું આગવુ સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો જેમાં એ સફળ પણ થયા હતા.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
