Business News/ “ભારતનું કશું જ બગડશે નહીં…” ટ્રમ્પના 15% ટેરિફ બોમ્બ પર એક્સપર્ટે સમજાવ્યું ગણિત

ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દુનિયાભર પર 15% ટેરિફ ઝીંક્યો છે. શું આનાથી ભારતની નિકાસ ઘટશે? હેલિયોસ કેપિટલના સમીર અરોરાએ આંકડાઓ સાથે સમજાવ્યું કે ભારત સુરક્ષિત છે.

Top Stories Business
Trump 15% Global Tariff India Impact

Trump 15% Global Tariff India Impact: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના આંચકા બાદ વિશ્વના તમામ દેશો પર પહેલા 10% અને હવે તેને વધારીને 15% ગ્લોબલ ટેરિફ (આયાત શુલ્ક) લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ ‘ટેરિફ બોમ્બ’ બાદ ભારતીય બજાર અને નિકાસકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ આર્થિક નિષ્ણાતો માને છે કે આનાથી ભારતને કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી.

સુપ્રીમ કોર્ટમાં હાર બાદ ટ્રમ્પનો પલટવાર

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ‘રેસિપ્રોકલ ટેરિફ’ને ગેરકાનૂની ગણાવી રદ કરી દીધો હતો. આ હારના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવીને વિશ્વના તમામ દેશો પર 10% ગ્લોબલ ટેરિફની જાહેરાત કરી અને બીજા જ દિવસે તેને વધારીને ૧૫% કરી દીધી. ટ્રમ્પના આ કદમથી અમેરિકામાં આયાત થતી તમામ વસ્તુઓ મોંઘી થશે.

ભારતને કેમ નુકસાન નહીં થાય? સમીર અરોરાએ સમજાવ્યું ગણિત

હેલિયોસ કેપિટલના ફાઉન્ડર અને જાણીતા ફાઇનાન્શિયલ એક્સપર્ટ સમીર અરોરાએ આ મામલે ભારતીય રોકાણકારોની ચિંતા દૂર કરતા જણાવ્યું છે કે જો અમેરિકા દુનિયાના તમામ દેશો પર એકસરખો ૧૫% ટેરિફ લગાવે છે, તો ભારત માટે સ્પર્ધાત્મક સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને ભારતનો સાપેક્ષ લાભ જળવાઈ રહેશે. અરોરાના મતે આ ટેરિફ નિકાસકારો કરતા અમેરિકા માટે વધુ એક ‘આંતરિક ટેક્સ’ જેવો મુદ્દો છે. વધુમાં, હાલમાં આ ટેરિફ માત્ર 150 દિવસ માટે જ મર્યાદિત છે અને જો ટ્રમ્પ તેને આગળ વધારવા માંગતા હોય, તો તેમણે અમેરિકી કોંગ્રેસની મંજૂરી લેવી પડશે, જે પ્રક્રિયા એટલી સરળ નથી.

18% માટે તૈયાર હતું ભારત, અત્યારે તો 15% જ છે!

સમીર અરોરાએ વધુમાં ઉમેર્યું કે ભારત અગાઉ 18% ટેરિફ પર સમજૂતી કરવા પણ તૈયાર હતું, તેની સરખામણીએ અત્યારે 15% એ રાહતજનક સ્થિતિ કહી શકાય. બજાર પહેલેથી જ આ પ્રકારના ટેરિફ માટે માનસિક રીતે તૈયાર હતું, તેથી ભારતીય અર્થતંત્ર કે શેરબજાર પર તેની લાંબાગાળાની નકારાત્મક અસર થવાની શક્યતા ઓછી છે.


આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’