Monsoon Update: દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવારે પડેલા ભારે વરસાદે ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, ભૂસ્ખલન, વીજ અકસ્માતો અને દિવાલ ધરાશાયી થવા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે દિલ્હી સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા સાથે એલર્ટ જાહેર કર્યું છે. આગામી કેટલાક દિવસો સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરમાં વરસાદે ઠપ કરી જનજીવન
દિલ્હી, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર મોટા ખાડા પડ્યા, વૃક્ષો ધરાશાયી થયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. દિલ્હીના ભોગલ અંડરપાસમાં પાણી ભરાતા એક લક્ઝરી કાર ફસાઈ ગઈ હતી, જ્યારે ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં રસ્તો ધસી જતાં કાર ખાડામાં સમાઈ ગઈ હતી. અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસતા 200થી વધુ વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદ અને વીજળીનો કહેર
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને વજ્રપાત સંબંધિત અકસ્માતોમાં કુલ 19 લોકોના મોત થયા છે. બુલંદશહરમાં ઘરની દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. ગાઝિયાબાદમાં પાણી ભરાયેલા વિસ્તારમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત થયું, જ્યારે નાળામાં પડી જતાં સાત વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું હતું. પૂર્વાંચલના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવોમાં સાત લોકોના જીવ ગયા છે.
હવામાન વિભાગે લખનૌ સહિત રાજ્યના 60થી વધુ જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનથી મુશ્કેલી
ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે 84થી વધુ માર્ગો ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયા છે. નૈનીતાલમાં સરોવરનું જળસ્તર વધતાં બોટિંગ પર રોક લગાવવામાં આવી છે, જ્યારે ચારધામ યાત્રાના માર્ગો પણ અનેક સ્થળોએ અસરગ્રસ્ત બન્યા છે. અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભારે વરસાદ બાદ આશરે 100 ફૂટ લાંબો બેલી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભારે અસર
ગુજરાતમાં સતત વરસતા વરસાદે ખાસ કરીને સુરત જિલ્લામાં ભારે અસર કરી છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લગભગ 3,900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત કામગીરીની માહિતી મેળવી હતી.
તેમજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પૂર દરમિયાન એચપીસીએલના બોટલિંગ પ્લાન્ટમાંથી અંદાજે 3,000 ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીમાં તણાઈ ગયા હતા. જ્યારે પુણેમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં એનડીઆરએફ દ્વારા અત્યાર સુધી નવ લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગામી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલ સક્રિય હવામાન પ્રણાલી હવે મધ્ય પ્રદેશ તરફ આગળ વધી છે, જેના કારણે ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી ચાર દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
