Gandhinagar News/ ગામડાઓ હવે નગર જેવા ચમકશે! મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના’ માટે ₹650 કરોડ મંજૂર

ગુજરાત સરકારની મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના (Mukhyamantri Nirmal Gram Yojana) હેઠળ ગામડાઓમાં ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન થશે. બજેટમાં ૬૫૦ કરોડની જોગવાઈ સાથે સ્વચ્છતા અભિયાન મજબૂત બનશે.

Top Stories Gandhinagar Gujarat
Mukhyamantri Nirmal Gram Yojana Gujarat

Mukhyamantri Nirmal Gram Yojana Gujarat: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવા અને લોકોના આરોગ્યમાં ગુણાત્મક સુધારો કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. વર્ષ 2026-27 ના બજેટમાં ‘મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના’ માટે રૂ. 650.00 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના દ્વારા હવે ગામડાઓમાં પણ શહેરની જેમ ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉઘરાવવાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.

ગામડાઓમાં ‘ડોર-ટુ-ડોર’ કચરાનું કલેક્શન

આ યોજના હેઠળ ગ્રામ પંચાયતો દ્વારા ખાસ એજન્સીઓની નિમણૂક કરવામાં આવશે, જે ગામમાં સ્વચ્છતા જાળવવાની મહત્વની જવાબદારી સંભાળશે. આ એજન્સીઓ દ્વારા દરેક ઘરેથી નિયમિતપણે કચરો એકત્રિત કરવામાં આવશે અને ગામની જાહેર જગ્યાઓની પણ યોગ્ય સફાઈ કરવામાં આવશે. આ રીતે એકત્રિત થયેલા તમામ કચરાને એજન્સી દ્વારા સુરક્ષિત રીતે નક્કી કરેલી ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ગામડાઓમાં પણ શહેર જેવી સુવ્યવસ્થિત કચરા નિકાલની પદ્ધતિ અમલી બની શકે.

Mukhyamantri Nirmal Gram Yojana: શહેરો સાથે જોડાશે ગામડાની સ્વચ્છતા

યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, તાલુકા સ્તરે નક્કી થયેલી એજન્સીઓ ગામડાઓમાંથી ભેગો થયેલો કચરો એકત્ર કરી નજીકની નગરપાલિકા કે મહાનગરપાલિકાના પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડશે. આનાથી ગામડામાં કચરાના ઢગલા થવાની સમસ્યા દૂર થશે અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ શક્ય બનશે.

Mukhyamantri Nirmal Gram Yojana Gujarat

વર્તમાન સ્થિતિ અને વ્યાપ

હાલમાં આ યોજના રાજ્યના 12 જિલ્લાના 21 તાલુકાના 667 ગામોમાં સફળતાપૂર્વક કાર્યરત છે. આ ઉપરાંત, અર્બન ઓથોરીટી જેમ કે RUDA, GUDA અને VUDA વિસ્તારના ગામોમાં પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે નવી બજેટ જોગવાઈ સાથે તેનો વ્યાપ વધારવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશનને મળશે બળ

રૂ. 650 કરોડની આ જોગવાઈથી માત્ર સફાઈ જ નહીં, પરંતુ ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ખરીદવામાં આવેલા વાહનો અને અસ્ક્યામતોની મરામત (Maintenance) પણ કરવામાં આવશે. જેનાથી સફાઈના સાધનો લાંબા સમય સુધી કાર્યરત રહેશે અને ગ્રામીણ જનતાને સતત સુવિધા મળતી રહેશે.


આ પણ વાંચો: ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા, દેવા માંફી, વિધવા-વૃદ્ધ પેન્શનની પેંશનની જાહેરાત નહીં

આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો: રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ