Junagadh News/ માનવતા જ સાચું સનાતન! 28,000 કિમીની શિવ પદયાત્રા પર નીકળેલા ગૌરવ હાંડા જૂનાગઢ પહોંચ્યા

દિલ્હીના ગૌરવ હાંડા (Gaurav Handa) 12 જ્યોતિર્લિંગોના જળ સાથે 28000 કિમીની પદયાત્રા પર નીકળ્યા છે. જૂનાગઢ પહોંચેલા આ શિવભક્તે માનવતાનો અનોખો સંદેશ આપ્યો છે.

Top Stories Gujarat Others
Gaurav Handa Shiva Padayatra

Gaurav Handa Shiva Padayatra: કહેવાય છે કે જ્યારે સંસારના ભૌતિક સુખો માણસને શાંતિ નથી આપી શકતા, ત્યારે મહાદેવનો માર્ગ જ પરમ આનંદ તરફ દોરી જાય છે. આવો જ એક અદભૂત કિસ્સો દિલ્હીના રહેવાસી ગૌરવ હાંડાનો છે, જેઓ છેલ્લા 10 મહિનાથી ભારતભરના ચારધામ અને 12 જ્યોતિર્લિંગની પદયાત્રા પર નીકળ્યા છે. હાલમાં તેઓ ગિરનારની પવિત્ર ધરતી જૂનાગઢ આવી પહોંચ્યા છે.

10 મહિના, 8,500 કિમી અને અનેક દુર્ગમ પહાડોની સફર

ગૌરવ હાંડાની આ શ્રદ્ધાભરી સફર દેશની રાજધાની દિલ્હીથી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં તેઓ પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યો ખૂંદીને હવે ગુજરાતમાં પ્રવેશ્યા છે. આ લાંબી યાત્રા દરમિયાન તેમણે પંચ કેદાર, મણી મહેશ, કિન્નર કૈલાશ, બીજલી મહાદેવ અને નીલકંઠ મહાદેવ જેવા પહાડી તેમજ અત્યંત દુર્ગમ સ્થળો પર પગપાળા જઈને ભગવાન શિવની વિશેષ આરાધના કરી છે. ગૌરવભાઈ ગંગોત્રીથી પવિત્ર જળ લઈને નીકળ્યા છે અને તેમનો મુખ્ય સંકલ્પ માર્ગમાં આવતા તમામ 12 જ્યોતિર્લિંગોનું પવિત્ર જળ એકત્રિત કરવાનો છે.

Gaurav Handa Shiva Padayatra

માનવતા જ સાચું સનાતન: Gaurav Handaનો સંદેશ

સનાતન ધર્મ વિશે પોતાના વિચારો રજૂ કરતા ગૌરવ હાંડાએ જણાવ્યું હતું કે, “મારા મતે સનાતનનો મૂળ આધાર ‘માનવતા’ છે. જો માણસના હૃદયમાં માનવતા નથી, તો ગમે તેટલા ધર્મો પાળે તે વ્યર્થ છે.” તેમણે ઉમેર્યું કે કુદરતમાં માત્ર બે જ જાતિ છે – સ્ત્રી અને પુરુષ. તેઓ દરેક જીવમાં શિવના દર્શન કરે છે.

માતા-પિતાના અવસાન બાદ બદલાયું જીવન

15 વર્ષ પહેલાં તેમના માતા-પિતા બ્રહ્મલીન થયા બાદ ગૌરવભાઈએ સંપૂર્ણ સાંસારિક જીવન જીવી જોયું, પરંતુ ક્યાંય આત્મિક સંતોષ ન મળ્યો. અંતે મહાદેવની પ્રેરણાથી તેમણે આ ભગીરથ પદયાત્રાનો નિર્ણય લીધો. જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં શેરનાથ બાપુના આશ્રમે તેમને રોકાણ અને ભોજનની સુંદર વ્યવસ્થા મળી હતી, જેનાથી તેઓ ભાવવિભોર થયા છે.

કાશી વિશ્વનાથ થઈને નેપાળના પશુપતિનાથ

હજુ આ પદયાત્રા 20,000 કિલોમીટર સુધી ચાલશે. ગુજરાતથી તેઓ સોમનાથ મહાદેવના દર્શને જશે અને ત્યારબાદ કાશી વિશ્વનાથ થઈને નેપાળ પહોંચશે. ત્યાં પશુપતિનાથ મહાદેવના ચરણે તમામ જ્યોતિર્લિંગોમાંથી એકઠા કરેલા જળનો જળાભિષેક કરીને પોતાની આ ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરશે.


આ પણ વાંચો:ભવનાથ તળેટીમાં જામશે ભક્તિનો મેળો! 11 ફેબ્રુઆરીથી ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ

આ પણ વાંચો:જૂનાગઢમાં ભવનાથ મંદિર ફરીથી વિવાદમાઃ બે સંતોએ મહંત બનવા અરજી કરી

આ પણ વાંચો:મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડા લાલઘૂમ