Ahmedabad News: અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રાત્રિના સમયે BJP સાથે સંકળાયેલા એક યુવા નેતાએ નશાની હાલતમાં બિભત્સ વર્તન કરતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ ભેગા થઈને તેને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે હંગામો મચ્યો હતો અને બાદમાં પોલીસને બોલાવવી પડી હતી.
મળતી માહિતી મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા બોમ્બે હાઉસિંગમાં રહેતા વિકી ત્રિવેદી BJPમાં પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય તરીકે જોડાયેલા છે. ઉપરાંત તેઓ ગીર સોમનાથ જિલ્લાના યુવા મોરચાના સહ પ્રભારી તેમજ શહેરની ટ્રાફિક કમિટીમાં પ્રમુખ તરીકે પણ હોદ્દો ધરાવે છે.
BJPના યુવા નેતાનું નશાની હાલતમાં બિભત્સ વર્તન
માહિતી અનુસાર 5 માર્ચના રોજ વિકી ત્રિવેદી કાર લઈને સરસપુર વિસ્તારમાં આવ્યા હતા. તેમની કાર પર શહેર ટ્રાફિક કમિટીના પ્રમુખનું બોર્ડ પણ લગાવેલું હતું. સરસપુરના ખાવાડ વિસ્તારમાં તેઓ દારૂ પીધેલી હાલતમાં બિભત્સ વર્તન કરી રહ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
સ્થાનિકોએ શરૂઆતમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છતાં પણ તેઓ બિભત્સ વર્તન કરતા રહ્યા. પરિણામે ગુસ્સે ભરાયેલા લોકોએ તેમને પકડીને મેથીપાક ચખાડ્યો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી.

પોલીસ પહોંચતા કાર્યવાહી
ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે વિકી ત્રિવેદીની અટકાયત કરી તેમને શહેર કોટડા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
પોલીસ સ્ટેશનમાં પણ હંગામો
પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પણ વિકી ત્રિવેદી દ્વારા પોલીસ સામે રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ નશાની હાલતમાં હોવાનું જણાતું હતું અને તેમના મોઢામાંથી દારૂની ગંધ પણ આવતી હતી. એટલું જ નહીં, તેઓ લથડિયા ખાતા હોવાનું પણ પોલીસને જણાયું હતું. આ મામલે શહેર કોટડા પોલીસે વિકી ત્રિવેદી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં SHE ટીમના ડ્રાઇવરે નશાની હાલતમાં ગાડી ડિવાઇડર પર ચઢાવી
આ પણ વાંચો:વડોદરામાં નિવૃત્ત PSIના પુત્રનો નશાની હાલતમાં આતંક
આ પણ વાંચો:અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત કરતા ટોળાની કારમાં તોડફોડ, ત્રણ વાહનને અડફેટે લીધાં
