Mehsana Minor Girl Rape Case: ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક શરમજનક ઘટના મહેસાણા (Mehsana) જિલ્લામાંથી સામે આવી છે. લાઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં માત્ર 15 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવી, જેના પરિણામે આ ફૂલ જેવી દીકરી ગર્ભવતી બની અને તેણે 108 એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ જન્માવ્યો છે.
Mehsana : મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા
મળતી માહિતી મુજબ, પીડિત સગીરાનો પરિવાર અત્યંત સામાન્ય છે. સગીરાની માતા રોજગારી મેળવવા માટે મજૂરી કામે જતી હતી. પાછળથી દીકરી ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિર પાસે બેસીને માતાની રાહ જોતી હતી. સગીરાની આ એકલતાનો ફાયદો ગામના જ જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે ઉઠાવ્યો હતો.
આરોપી જીગરજી સગીરાને લગ્નની અનેક લાલચો આપી, ફોસલાવીને મહાકાળી માતા અને વેરાઈ માતાના મંદિર પાછળ આવેલી અવાવરુ જગ્યામાં લઈ જતો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા.
બદનામીના ડરે છુપાવી વાત, 108માં થઈ ડિલિવરી
હવસખોરના આ જઘન્ય કૃત્યને કારણે 15 વર્ષની સગીરાને 7 માસનો ગર્ભ રહી ગયો હતો. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે સમાજમાં થનારી બદનામીના ડરથી માતાએ આ વાત કોઈને કહી નહોતી. પરંતુ, અચાનક સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સગીરાએ 108 એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપી દીધો હતો. હાલમાં પીડિતા અને બાળક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. લાઘણજ પોલીસના PSI વાય.એ. પરમારે હોસ્પિટલ પહોંચીને પીડિતાની ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપી જીગરજી ઠાકોર સામે BNS અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ટીમો દોડાવી છે.

ગુજરાતની અન્ય ચોંકાવનારી ઘટનાઓ
રાજ્યમાં સગીરાઓ સાથે દુષ્કર્મની આ કોઈ એકમાત્ર ઘટના નથી. તાજેતરમાં જ અન્ય જિલ્લાઓમાંથી પણ કાળજું કંપાવી દે તેવા કિસ્સા સામે આવ્યા છે:
વડોદરામાં ચોકલેટની લાલચ: મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરાને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, જેના કારણે સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા છે.
વિસનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: એક વર્ષ અગાઉ સતલાસણા પંથકમાં 15 વર્ષની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપી રાહુલજી ઠાકોરને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 3 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
સાબરકાંઠા-અરવલ્લી: વડાલી અને મેઘરજમાં ધોરણ-11 માં ભણતી બે સગીરાઓને લગ્નની લાલચ આપીને રાજસ્થાન અને અમદાવાદ લઈ જઈને પીંખી નાખવામાં આવી.
ગઢડામાં ભાઈના મિત્રએ જ આબરૂ લૂંટી: માતા-પિતા વિહોણી અનાથ સગીરા પર તેના ભાઈના 40 વર્ષીય પરણિત મિત્ર બેચર જાડાએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી. પેટમાં દુખાવો થતા ભાંડો ફૂટ્યો અને પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો.
આ પણ વાંચો:જેતપુર: બળજબરી પૂર્વક અપહરણ કરી આચર્યુ દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની આપી ધમકી
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ! પોલીસ કાર્યવાહી ન થતા દુષ્કર્મ પીડિતાએ પીધી દવા
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ પાર! 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
