Supreme Court Blood Donation Case: ભારતમાં રક્તદાન કોણ કરી શકે અને કોણ નહીં, તે અંગે ચાલી રહેલી કાનૂની લડાઈમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો (Gay Men) અને મહિલા સેક્સ વર્કર્સ પર રક્તદાન કરવા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ કોઈ ભેદભાવ નથી, પરંતુ તે દેશના નાગરિકોના જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે.
સરકારે Supreme Courtમાં શું દલીલ કરી?
ચીફ જસ્ટિસ (CJI) ની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ મહત્વની દલીલો રજૂ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના વર્ષ 2020-21 ના આંકડા ટાંકીને સરકારે કોર્ટને ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય વસ્તીની સરખામણીમાં આ વિશિષ્ટ અને હાઈ-રિસ્ક ધરાવતા જૂથોમાં HIV, હેપેટાઇટિસ-B અને હેપેટાઇટિસ-C જેવા ગંભીર તેમજ જીવલેણ રોગોનું સંક્રમણ થવાનું જોખમ 6 થી 13 ગણું વધુ જોવા મળ્યું છે. રક્ત ચઢાવવું (Blood Transfusion) એ કોઈપણ ગંભીર દર્દી માટે જીવન બચાવવાનો અંતિમ વિકલ્પ હોય છે, અને આવી કટોકટીની સ્થિતિમાં દર્દીના શરીરમાં સંક્રમિત લોહી જવાનું જોખમ શૂન્ય (0%) રહે તે અત્યંત અનિવાર્ય છે.

નેશનલ બ્લડ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય
સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, ભારતની રાષ્ટ્રીય રક્ત નીતિનો એકમાત્ર ઉદ્દેશ્ય દર્દીઓને ‘સૌથી સુરક્ષિત લોહી’ પૂરું પાડવાનો છે. જે જૂથોમાં સંક્રમણનું જોખમ સૌથી વધુ (High Risk) હોય, તેમની પાસેથી રક્ત લેવું એ આ નીતિના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. સરકારે એમ પણ ધ્યાન દોર્યું હતું કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ મોટાભાગના વિકસિત યુરોપિયન દેશોમાં પણ જાતીય રીતે સક્રિય સમલૈંગિક પુરુષોના રક્તદાન પર કાયમી પ્રતિબંધ અમલમાં છે.
વ્યક્તિગત અધિકાર કરતાં જાહેર સ્વાસ્થ્ય મોટું!
આ કેસમાં અરજદારો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રક્તદાન ન કરવા દેવું એ સમાનતાના અધિકારનો ભંગ છે. જેના જવાબમાં સરકારે સણસણતો જવાબ આપતા કહ્યું કે, “આ મુદ્દાને માત્ર કોઈના વ્યક્તિગત અધિકારો કે ભેદભાવના ચશ્માથી જોઈ શકાય નહીં. તેને જાહેર સ્વાસ્થ્ય અને દર્દીની સુરક્ષાના વ્યાપક દૃષ્ટિકોણથી જ જોવો જરૂરી છે.”
સરકારનો સીધો અર્થ એ છે કે, કોઈની લાગણી દુભાય તેના કરતાં કોઈ દર્દીને સંક્રમિત લોહી (Transfusion-Transmitted Infection – TTI) ચઢી જવાથી તેનો જીવ જાય, તે જોખમ દેશ માટે વધુ મોટું છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ, કોવિડ વેક્સિનની આડઅસરથી પીડાતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે NCERT ની ધોરણ 8 ની નવી ચોપડી પર લગાવ્યો પ્રતિબંધ, પુસ્તકો જપ્ત કરવાનો આદેશ
