Gujarat News/ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર! પાક સંગ્રહ ગોડાઉન બનાવવા હવે મળશે 2 લાખની સહાય

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ Budgetમાં ગોડાઉન સહાય ₹2 લાખ અને માછીમારો માટે ડીપ-સી ફીશીંગમાં ₹60 લાખની સહાય જાહેર કરી છે. જાણો પશુપાલકો માટેના નવા નિયમો.

Gujarat Top Stories Others
Gujarat Agriculture Budget 2026-27

Gujarat Agriculture Budget 2026-27: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હવે રાજ્યમાં ડીપ-સી માછીમારીથી લઈને ગ્રામ્ય કક્ષાએ અનાજ સંગ્રહ સુધીના તમામ ક્ષેત્રોમાં ઐતિહાસિક ફેરફારો થશે.

Budget : ‘ડીપ-સી ફીશીંગ’ અને ‘મધર વેસલ્સ’

ગુજરાત દેશમાં સૌ પ્રથમવાર મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ‘મધર વેસલ્સ’ નામની ક્રાંતિકારી યોજના અમલમાં મૂકવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ દરિયાની વચ્ચે જ એક વિશાળ જહાજ તૈનાત કરવામાં આવશે, જે એક ચાલતી ફેક્ટરી તરીકે કામ કરશે; જ્યાં માછીમારો પોતાની પકડેલી માછલીઓ જમા કરાવી શકશે અને ત્યાં જ તેનું પ્રોસેસિંગ તેમજ પેકેજિંગ કરીને સીધું એક્સપોર્ટ કરી શકાશે, આ પ્રોજેક્ટ માટે 12.5 કરોડની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ડીપ-સી ફીશીંગ (ઊંડા દરિયામાં માછીમારી) ને પ્રોત્સાહન આપવા માટે 120 લાખની કિંમતની આધુનિક બોટ ખરીદવા પર સરકાર દ્વારા 60 લાખની માતબર સહાય પૂરી પાડવામાં આવશે.

ખેડૂતોને ડબલ ફાયદો, ગોડાઉન સહાયમાં વધારો

ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત-તલાવડી કે ગોડાઉન (સ્ટ્રક્ચર) બનાવવા માટેની સરકારી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે સરકારે બજેટમાં 154 કરોડની માતબર જોગવાઈ પણ કરી છે.

Gujarat Agriculture Budget 2026-27

માત્ર 50માં સેક્સ્ડ સીમેન ડોઝ

રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલનમાં માત્ર વાછરડી કે પાડી જ જન્મે તે માટેની આધુનિક ટેકનોલોજીને સરકાર મોટા પાયે પ્રોત્સાહન આપી રહી છે. આ યોજના હેઠળ 700ની બજાર કિંમત ધરાવતો સ્પેશિયલ સીમેન ડોઝ પશુપાલકોને માત્ર 50ના રાહત દરે આપવામાં આવશે. અત્યાર સુધીમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિના સફળ અમલીકરણથી રાજ્યમાં 31 હજારથી વધુ વાછરડીઓ જન્મી ચૂકી છે અને પશુપાલકોની સુવિધા માટે આગામી સમયમાં વધુ 8 લાખ આવા ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

અનાજ સંગ્રહ માટે વિશ્વની સૌથી મોટી યોજના

ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ અનાજનો બગાડ અટકાવવા 10 હજારથી વધુ સહકારી મંડળીઓ અને 23 દૂધ સંઘોના માધ્યમથી મોટા ગોડાઉનો બનાવવામાં આવશે. આ ગોડાઉનોનો ઉપયોગ FCI પણ કરશે, જેથી મંડળીઓને ભાડાની આવક થશે અને ખેડૂતોએ પાક લણણી સમયે નીચા ભાવે માલ વેચવો નહીં પડે.

નવી કૃષિ નિકાસ નીતિ 2026

કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન (Value Addition) કરવા અને એગ્રો-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત યુવાનોને કૃષિ વ્યવસાયમાં જોડવા માટે વિશેષ તાલીમ અને આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, પીપીપી (PPP) મોડમાં કૃષિ મોલ, એરપોર્ટ કાર્ગો સુવિધા અને અત્યાધુનિક લેબોરેટરી વિકસાવવા માટે 50 કરોડ સુધીની માતબર સહાય આપવાની જોગવાઈ કરાઈ છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નિર્ણયો દ્વારા ગુજરાતની ‘બ્લુ ઈકોનોમી’ અને ખેતીવાડી ક્ષેત્રે નવી રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામીણ સમૃદ્ધિમાં વધારો થશે.


આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, સામાન્ય વહીવટી વિભાગ માટે 2910 કરોડની જોગવાઈ