Rajkot News/ રાજકોટ AIIMS આપઘાત કેસના પાંચ આરોપીઓ પોલીસ સંરક્ષણમાં MBBSના ફાઇનલ યરની પરીક્ષા આપવા ગયા

રાજકોટ એઇમ્સના ડોક્ટરે કરેલી આત્મહત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડોક્ટરે તેની સુસાઈડ નોટમાં પાંચ ઇન્ટર્ન ડોક્ટરની ટોળકી તેને હેરાન કરતી હોવાનું અને માર માર્યો હોવાનું કહીને જબરદસ્ત ટોર્ચરિંગ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે પાંચેયની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
એઇમ્સ Suicideના આરોપીઓને ફાઇનલ પરીક્ષામાં બેસવાની છૂટ

Rajkot News:  રાજકોટ એઇમ્સ (AIIMS)માં વિદ્યાર્થીની આત્મહત્યા (Suicide)ના કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓ એમબીબીએસના અંતિમ વર્ષની આજથી શરૂ થતી પરીક્ષા આપશે. આ આરોપીઓ પોલીસ સંરક્ષણમાં પરીક્ષા આપવા ગયા છે. તેમને પરીક્ષા આપવા દેવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટના આદેશના પગલે તેમને ચુસ્ત પોલીસ સંરક્ષણ હેઠળ પોલીસ જાપ્તામાં પરીક્ષા આપવા લઈ જવાયા છે. ગઇકાલે પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. હવે તેમને પરીક્ષા આપવાની પણ મંજૂરી મળી જતાં અનેક સવાલો વહેતાં થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આત્મહત્યાના કેસના આ પાંચેય મુખ્ય આરોપીઓને પરીક્ષા આપવા મંજૂરી કેવી રીતે મળી ગઈ. તેના કારણે આ કેસમાં હવે ભીનું સંકેલવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસે હજી સુધી પાંચેય આરોપીઓની ઓળખ જાહેર કરી નથી. જ્યારે બીજા કિસ્સામાં તો પોલીસ ગુનેગારોની ઓળખ પરેડ કરાવતી હોય છે. આ કિસ્સામાં તો પોલીસ આવું કશું કરી રહી નથી.

તેથી આ પાંચેય ગુનેગારોની સગાસંબંધીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યા હોવાની સંભાવના વધુ પ્રબળ બની છે. આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં આ આરોપીઓએ એવી તે કઈ કારીગરી કરી કે તેમને આ પ્રકારે પરીક્ષામાં બેસવા મંજૂરી મળી ગઈ તે મોટો સવાલ છે. શું પોલીસ પર આ કેસમાં કોઈનું દબાણ છે તેવો સવાલ સ્થાનિક સ્તરે પૂછવામાં આવી રહ્યો છે. આ રીતે ગુનેગારોને પરીક્ષામાં બેસવા દેતા મંજૂરી મળી જતાં આખા રાજકોટના તબીબ આલમમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે અને ચોરે અને ચૌટે મોટી ચર્ચા છે કે આ કયા પ્રકારનો કાયદો છે, આ રીતે છૂટ કોઈને કઈ રીતે આપી શકાય. શું અગાઉ આ રીતે કોઈને છૂટ આપવામાં આવી હતી.

રાજકોટમાં Suicideના લીધે AIIMsનું નામ ખરડાયું

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થાનું નામ કેટલાક ઇન્ટર્ન ડોક્ટરોના લીધે ખરડાયું છે. શહેરની પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલમાં એક ઇન્ટર્ન ડોક્ટરની આત્મહત્યાએ આખા ડોક્ટરી જગત અને શહેરમાં હડકંપ મચાવી દીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ફક્ત આત્મહત્યાનો જ કિસ્સો નથી, પરંતુ ક્રૂરતા અને શારીરિક માનસિક ત્રાસનો પણ કેસ છે.

સુસાઈડ (Suicide)નોટમાં ‘ટોર્ચરિંગ’નો પર્દાફાશ

મૃતક ઇન્ટર્ન તબીબની સુસાઈડ નોટ પોલીસ માટે સૌથી મોટો પુરાવો સાબિત થઈ છે. આ નોટમાં તબીબે લખેલી હકીકતો રૂંવાડા ઊભા કરી દે તેવી છે: મૃતકે ઉલ્લેખ કર્યો છે કે તેની સાથે ગંભીર મારપીટ કરવામાં આવી હતી.

બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 203 માં 5 સહ-ઇન્ટર્ન તબીબોએ ભેગા મળીને તેને માર માર્યો હતો અને આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. સુસાઈડ નોટ મુજબ, આ ટોળકીએ માત્ર તેને જ નહીં પરંતુ અન્ય એક વિદ્યાર્થીને પણ નિશાન બનાવી માર માર્યો હતો. આત્મહત્યા કરનારા ડોક્ટરે સ્પષ્ટતા કરી છે કે તેની આ આત્મઘાતી ડગલાં પાછળ તેની કોઈ સ્ત્રી મિત્રનો વાંક નથી.

પોલીસની કાર્યવાહી અને ઉઠતા સવાલો

તપાસના આધારે પોલીસે પાંચ ઇન્ટર્ન તબીબોની ધરપકડ કરી છે. જોકે, પોલીસની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આરોપીઓના મોઢા કેમ છુપાવ્યા?: ધરપકડ કરાયેલા પાંચેય આરોપી તબીબોને જ્યારે જાહેરમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના મોઢા ઢાંકેલા હતા. સામાન્ય ગુનેગારોના કિસ્સામાં કડક વલણ અપનાવતી પોલીસ અહીં કેમ ‘ઓળખ’ છુપાવી રહી છે? હોસ્ટેલના રૂમમાં આટલી મોટી ઘટના બની, વીડિયો ઉતારવામાં આવ્યા, છતાં એઈમ્સ મેનેજમેન્ટ કે સિક્યુરિટીને તેની જાણ કેમ ન થઈ?

શું ન્યાય મળશે?

હાલ તો પોલીસે પાંચેય તબીબોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ લોકોમાં એક જ ચર્ચા છે કે શું પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડશે કે પછી વગદાર તબીબોના દબાણમાં આવીને મામલો ‘ભીનું સંકેલાઈ’ જશે?


આ પણ વાંચો:  રાજકોટમાં યુવતીની મંગેતર સાથે આત્મહત્યા: ઘેરાયા રહસ્યના વમળ

આ પણ વાંચો: થરાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ મળતા ચકચાર

આ પણ વાંચો: ગાંધીનગર નભોઈ કેનાલમાં બે યુવતીઓએ કૂદી આત્મહત્યા કરી,બંને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી હતી