Surat News/ સુરતમાં અંતિમ સંસ્કાર પણ મોંઘા બનશે? સ્મશાનમાં ગેસ માટે હવે ચૂકવવો પડશે ચાર્જ

સુરતમાં સ્મશાન (Surat Cremation)માં ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે હવે ગેસનો ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Cremation સેવા મોંઘી બનશે, ગેસ માટે વસૂલાશે ચાર્જ

Surat New: આર્થિક મંદી અને વધતી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય માણસ માટે અંતિમ સંસ્કાર પણ મોંઘા બનવાની શક્યતા ઉભી થઈ છે. સુરતના તાપી કિનારે આવેલા પ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન (Surat Cremation) ભૂમિ સહિત શહેરના અનેક સ્મશાનોમાં ગેસ ભઠ્ઠી દ્વારા થતા અંતિમ સંસ્કાર માટે અત્યાર સુધી ગેસ પુરવઠો મફતમાં મળતો હતો.

જોકે હવે ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થાએ બહાર પાડેલા નવા પરિપત્ર અનુસાર સ્મશાન ટ્રસ્ટોએ ગેસના વપરાશ માટે ચાર્જ ચૂકવવો પડશે, જેના કારણે એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ અંદાજે 1100 રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્ષોથી મળતી ફ્રી ગેસ સેવાનો અંત

સુરતના મુખ્ય સ્મશાનગૃહો (Surat Cremation)માં ગુજરાત ગેસ દ્વારા ‘સેતુ’ (SETU) સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે આપવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન (Surat Cremation) ટ્રસ્ટો પર આર્થિક બોજો પડતો નહોતો અને મૃતકના પરિવારજનોને પણ રાહત મળતી હતી. પરંતુ નવા પરિપત્ર અનુસાર હવે આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર સંપૂર્ણ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

Surat Cremation એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો ખર્ચ

રામનાથ ઘેલા સ્મશાન ભૂમિના મેનેજર જયેશ ઉમરીકરએ જણાવ્યું કે અત્યાર સુધી ગેસ પુરવઠો મફતમાં મળતો હોવાથી સ્મશાનનું સંચાલન સરળ હતું. પરંતુ હવે કંપની દ્વારા ગેસના ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર એક મૃતદેહના ગેસ ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર માટે સરેરાશ 1100 રૂપિયાનો ગેસ વપરાય છે. હવે આ ખર્ચ કોણ ભોગવશે તે પ્રશ્ન ઊભો થયો છે. જો ટ્રસ્ટ આ ખર્ચ ઉઠાવે તો ટ્રસ્ટ પર આર્થિક બોજો વધશે અને જો લોકો પાસેથી વસૂલવામાં આવે તો સામાન્ય જનતા પર ભાર વધશે.

દરરોજ 20થી 25 મૃતદેહના અંતિમ સંસ્કાર

રામનાથ ઘેલા સ્મશાન (Surat Cremation)માં દરરોજ સરેરાશ 20થી 25 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેમાંથી અંદાજે 75 ટકા લોકો પરંપરાગત રીતે લાકડામાં અંતિમ સંસ્કાર કરે છે, જ્યારે લગભગ 25 ટકા લોકો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરે છે. જો ગેસના ભાવમાં વધારો થશે તો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

પ્રદૂષણ મુક્ત અભિયાનને પડી શકે અસર

સરકાર દ્વારા વારંવાર લોકોને લાકડાના બદલે ગેસ અથવા ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને પ્રદૂષણ ઓછું થાય. પરંતુ જો ગેસ મોંઘો થશે તો લોકો ફરીથી લાકડાના અંતિમ સંસ્કાર તરફ વળી શકે છે, જે પ્રદૂષણ માટે ચિંતાજનક બની શકે છે.

સ્મશાન સંચાલકોમાં ચિંતા

માત્ર રામનાથ ઘેલા જ નહીં, પરંતુ સુરતના અન્ય સ્મશાન ટ્રસ્ટોમાં પણ આ નિર્ણયને લઈને ચિંતા જોવા મળી રહી છે. સંચાલકોનું કહેવું છે કે સ્મશાન એ સેવાકીય સંસ્થા છે, નફાકારક વ્યવસાય નથી, તેથી ગેસ કંપનીએ CSR હેઠળ મળતી સહાય ચાલુ રાખવી જોઈએ. આ મુદ્દે આગામી સમયમાં કલેક્ટર અથવા સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.

હાલ માટે વ્યવસ્થા યથાવત્

ટ્રસ્ટ મંડળની બેઠક સુધી રામનાથ ઘેલા સ્મશાનમાં હાલની વ્યવસ્થા મુજબ જ કામગીરી ચાલુ રહેશે. ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની સત્તાવાર માહિતી ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો:સુરતમાં મહિલાના મૃત્યુ પછી સ્મશાનમાં અગ્નિ સંસ્કારનો કરાયો ઇન્કાર!

આ પણ વાંચો:સુરતના અશ્વની કુમાર સ્મશાન ગૃહની દાદાગીરી, દિવાળીમાં મહેમાનોને આવાનો સમય છે કહી અગ્નિસંસ્કારની કરી મનાઈ

આ પણ વાંચો:સુરતમાં સતત મૃત્યુદર વધતા 2006 થી બંધ કરેલુ સ્મશાન ગૃહ ફરી શરૂ કરાયું