Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ કરીને લાંચ લેતા એક કર્મચારીને રંગેહાથ ઝડપ્યો છે. આરોપી કોમર્શિયલ વાહનના ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ અરજદાર પાસેથી 3,000 રૂપિયાની લાંચ લેતા પકડાયો હતો.
આરોપીની ઓળખ
પકડાયેલ આરોપીનું નામ રહેમતુલ્લા ઇબ્રાહીમખાન ઘોરી (ઉ.વ. 50) હોવાનું જાણવા મળ્યું છે. તે પાલનપુર તાલુકાના ચડોતર ગામ ખાતે આવેલા GHV વેહિકલ ફિટનેસ સેન્ટરમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરનાર કર્મચારી તરીકે કાર્યરત હતો.
ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચની માંગ
મળતી માહિતી મુજબ સરકારના વાહન વ્યવહાર વિભાગ તરફથી વાહનોની ફિટનેસ ચકાસણીનું કામ GHV ફિટનેસ સેન્ટરને સોંપવામાં આવ્યું છે. અહીં કોમર્શિયલ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપવા બદલ અરજદારો પાસેથી 500 થી 50,000 રૂપિયા સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની ખાનગી બાતમી ACBને મળી હતી. આ આધારે એસીબી પાટણ દ્વારા ડીકોય ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.

ડીકોય ઓપરેશનમાં રંગેહાથ ઝડપાયો
ડીકોય તરીકે એક વ્યક્તિએ પોતાની બજાજ મેક્સિમો CNG રિક્ષા માટે કોમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. નિયમિત ફી 980 રૂપિયા હોવા છતાં આરોપીએ વધારાના 3,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ડીકોય પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે સ્થળ પર જ આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચ તરીકે લેવામાં આવેલા 3,000 રૂપિયા સ્થળ પરથી જ કબ્જે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000ની લાંચ લેતા ACBએ ઝડપ્યો
આ પણ વાંચો:ACBની સફળ ટ્રેપ, CID ક્રાઇમના અધિકારીઓ 30 લાખ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા
આ પણ વાંચો:AMC અધિકારી વિરુદ્ધ એસીબી ની મોટી કાર્યવાહી: રૂ.67 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ
