Navsari News/ ચૂંટણી પહેલા મોટો આંચકો! નવસારી કોંગ્રેસમાં ભડકો, શહેર પ્રમુખની વરણી સામે દિગ્ગજ નેતાઓના રાજીનામા

નવસારી શહેર Congress પ્રમુખની વરણીને લઈને વિવાદ વકર્યો છે. ધર્મરાજ માળી અને નેહલ પટેલ સહિત અનેક નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે.

Gujarat Top Stories Others
Navsari Congress Resignation News

Navsari Congress Resignation News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નવસારી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો છે. ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ બાદ હવે કોંગ્રેસમાં પણ મોટો ભડકો થયો છે. શહેર પ્રમુખની વરણીથી નારાજ જિલ્લા અને શહેર કોંગ્રેસના અનેક દિગ્ગજ પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

વરણી સામે વિરોધનો સૂર

ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ નવસારી મહાનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નિર્ણય સામે પક્ષના જૂના અને વફાદાર કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. નારાજ નેતાઓનો આક્ષેપ છે કે હાઈકમાન્ડે કાર્યકરોનો વિશ્વાસ જીતવાને બદલે વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.

Navsari Congress Resignation News

ગંભીર આક્ષેપો, ‘સ્લીપર સેલ’નો ઉલ્લેખ

રાજીનામું આપનારા પદાધિકારીઓએ નવનિયુક્ત પ્રમુખ દીપક બારોટ પર ગંભીર આરોપો લગાવતા દાવો કર્યો છે કે, તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભૂતકાળમાં પક્ષના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે પડદા પાછળ કામ કર્યું છે. રાહુલ ગાંધીના નિવેદનનો હવાલો આપતા આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે રાહુલ ગાંધી પક્ષમાંથી ગદ્દારો અને ‘સ્લીપર સેલ’ને દૂર કરવાની વાત કરે છે, ત્યારે નવસારીમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને જ પદ સોંપવું એ અત્યંત આશ્ચર્યજનક બાબત છે.”

કોણે કોણે આપ્યા રાજીનામા?

પક્ષના વફાદાર ગણાતા મુખ્ય ચહેરાઓએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઈમેલ દ્વારા પોતાના રાજીનામા મોકલી આપ્યા છે. રાજીનામું આપનારા મુખ્ય નેતાઓની યાદી નીચે મુજબ છે

નામ પદ
ધર્મરાજ એચ. માળી માજી પ્રદેશ મંત્રી અને માજી શહેર પ્રમુખ
નેહલભાઈ પટેલ મહામંત્રી, નવસારી શહેર સમિતિ
નિહાર એસ. મહેતા પૂર્વ વોર્ડ પ્રમુખ
યુથ કોંગ્રેસના નેતાઓ વિવિધ પદાધિકારીઓ અને હોદ્દેદારો

ચૂંટણીમાં Congressનું વહાણ ડૂબશે?

નોંધનીય છે કે દીપક બારોટ ગત વિધાનસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારેલા અને વિવાદાસ્પદ નેતાને સંગઠનનું સુકાન સોંપાતા પક્ષ બે ફાંટામાં વહેંચાઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂતીથી લડવાને બદલે કોંગ્રેસ અત્યારે આંતરિક લડાઈમાં વ્યસ્ત દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતાગીરી આ આગને ઠારશે કે નવસારીમાં કોંગ્રેસ વધુ નબળી પડશે.


આ પણ વાંચો : ગેસના બાટલાના મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર આક્રમક વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિથી ખળભળાટ

આ પણ વાંચો : જામનગર વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પ્રોજેક્ટ સાઈટ પર તાળાબંધીનો પ્રયાસ