Congress protest in Jamnagar: જામનગર મહાનગરપાલિકાના વિવાદાસ્પદ ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્રોજેક્ટ સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. આ પ્રોજેક્ટના કારણે શહેરમાં ફેલાતા પ્રદૂષણ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્રોજેક્ટ સાઈટ પર પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ પ્લાન્ટને પ્રતિકાત્મક તાળાબંધી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
દુર્ગંધ અને પ્રદૂષણથી નાગરિકો પરેશાન
કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના નામે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ જામનગરવાસીઓ માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યો છે. પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે.
મનપાના પદાધિકારીઓ પર 40 ટકા કમિશન લેવાનો આરોપ
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે જામનગર મનપાના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે, આ પ્રોજેક્ટમાં જનતાના હિતને બદલે ભ્રષ્ટાચારને મહત્વ આપવામાં આવ્યું છે. મનપાના પદાધિકારીઓ પર 40 ટકા જેટલું મસમોટું કમિશન લેવાના સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે?
પ્રોજેક્ટ સાઈટ પર વિરોધ કરી તાળાબંધીનો કર્યો પ્રયાસ
પ્લાન્ટ સાઈટ પર પ્રતીકાત્મક તાળાબંધી કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ નહીં થાય, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ આક્રમક બનાવવામાં આવશે અને જનતાની લડાઈ રસ્તા પર લડવામાં આવશે.
