Patan News/ પાટણ ઝીલિયા ગેંગવોર! મસ્તાની ગેંગના ભાવેશ દેસાઈ સહિત 4 સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ (Patan)ના ઝીલિયા ગેંગવોર મુદ્દે PI સહિત 12 પોલીસકર્મી સસ્પેન્ડ થયા બાદ મસ્તાની ગેંગના ભાવેશ દેસાઈ સહિત 4 સામે FIR નોંધાઈ છે

Top Stories Gujarat Others
Patan Zhiliya Gangwar

Patan Zhiliya Gangwar: પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ઝીલિયા ગેંગવોર મામલે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં પોતાનો ખોફ ફેલાવવા મથતી અને ‘મસ્તાની ગેંગ’ ઓપરેટ કરતા મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ સહિત કુલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં અગાઉ પોલીસની શંકાસ્પદ ભૂમિકાને પગલે એક પીઆઈ (PI) સહિત 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો હતો.

Patan : રૂપિયાની લેતીદેતીમાં ખેલાયો જંગ

મળતી માહિતી મુજબ, ઝીલિયામાં થયેલી આ ગેંગવોર પાછળ રૂપિયાની લેવડદેવડનો વિવાદ મુખ્ય કારણ હતો. આ મામલે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ગેંગના સભ્યો દ્વારા વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી અને હથિયારો સાથે આતંક ફેલાવવામાં આવ્યો હતો.

કોની કોની સામે નોંધાઈ FIR?

પોલીસે આ મામલે મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. FIR માં નોંધાયેલા નામો મુજબ, આ કેસમાં ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ તેમજ ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ અને દેવું દેસાઈનો સમાવેશ થાય છે.

પોલીસ વિભાગમાં મોટો પલટો

આ ગેંગવોર વખતે પોલીસની નિષ્ક્રિયતા અથવા કથિત સંડોવણીને લઈને ઉચ્ચ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું હતું. ઝીલિયા ગેંગવોરમાં પોલીસની ઈમેજ ખરડાતા, જવાબદાર પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ‘ઘરે બેસાડી’ દેવાતા સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

હાલમાં પોલીસે મસ્તાની ગેંગના આતંકને ડામવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવી છે.


આ પણ વાંચો: પાટણના મેલુસનમાં આરોગ્ય સબ સેન્ટર બંધ, દર્દીઓ રઝળી પડ્યા

આ પણ વાંચો: ‘DJ બંધ તો દારૂ વેચીશું’: પાટણમાં સાઉન્ડ માલિકોની ચીમકી

આ પણ વાંચો: પાટણના સરસ્વતીમાં જૂથ અથડામણ: સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ખેલાયો હિંસક ખેલ