Ahmedabad Railway Fake Ticket Racket: રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ અને રેલવે તંત્ર માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નકલી ટિકિટના સહારે મુસાફરી કરતા ૧૫ શખ્સોને રેલવે સુરક્ષા દળે ઝડપી પાડ્યા છે. આ આખું રેકેટ એક જ અસલી ટિકિટની અનેક નકલો બનાવીને ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
Ahmedabad : સિરિયલ નંબરે ખોલી પોલ
ગત ૨૧ માર્ચના રોજ જ્યારે પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર પહોંચી, ત્યારે ટિકિટ ચેકિંગ સ્ટાફે નિયમિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચેકિંગ સ્ટાફ ત્યારે ચોંકી ઉઠ્યો જ્યારે અલગ-અલગ મુસાફરો પાસે રહેલી ટિકિટોમાં એક જ સરખો સિરિયલ નંબર જોવા મળ્યો.
શંકા જતાં જ્યારે ટિકિટ પરનો QR કોડ સ્કેન કરવામાં આવ્યો અને ટેકનિકલ તપાસ થઈ, ત્યારે સાબિત થયું કે આ ટિકિટો નકલી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અસલી ટિકિટને સ્કેન કરીને તેની 10-10 ફોટોકોપી (નકલી ટિકિટ) બનાવી મુસાફરોને પધરાવી દેવામાં આવતી હતી.

ATVM ફેસિલિટેટર્સનું કારસ્તાન
આ કૌભાંડના મૂળ પ્રયાગરાજમાં હોવાનું જણાયું છે. રેલવે સ્ટેશનો પર ટિકિટ કાઢી આપતા ATVM (Automated Ticket Vending Machine) ફેસિલિટેટર્સ આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો પહેલા અસલી ટિકિટ કાઢતા હતા અને ત્યારબાદ તેની અનેક નકલો બનાવી મુસાફરોને વેચી દેતા હતા. નવાઈની વાત એ છે કે, અસલી ટિકિટ પર તેઓ રિફંડ મેળવી લેતા હતા અને નકલી ટિકિટ પર મુસાફરોને રવાના કરી ગેરકાયદે નફો કમાતા હતા.
રેલવે પોલીસ એક્શનમાં
અમદાવાદ રેલવે પોલીસે આ મામલે 15 લોકોની અટકાયત કરી છે અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને અત્યાર સુધી કેટલા મુસાફરોને છેતરવામાં આવ્યા છે, તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારતીય રેલવેનો રેકોર્ડ રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
આ પણ વાંચો: રેલવે ટિકિટ કેન્સલેશનના નિયમોમાં મોટો ફેરફાર
આ પણ વાંચો: વલસાડ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનોના વિકાસ માટે રજૂઆત
