Ahmedabad News : અમદાવાદના સાયન્સ સિટી (Ahmedabad Science City)ખાતે GUJCOST દ્વારા આયોજિત ‘નેશનલ STEM ક્વિઝ 4.0-ધ જર્ની ઓફ અ ન્યૂ જનરેશન’નો ગ્રાન્ડ ફિનાલે(Grand Finale) યોજાયો હતો. જેમાં વિજેતાઓને મહાનુભાવોના હસ્તે કુલ રૂ. 2કરોડનાં ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં.

યુવા પેઢીમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતા પ્રોત્સાહિત થાય તે હેતુસર ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળના Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા STEM Quizનું આયોજન કરવામાં આવે છે. જેની ચોથી આવૃત્તિમાં દેશભરનાં વિવિધ રાજ્યો અને શૈક્ષણિક બોર્ડમાંથી કુલ 15,01,249 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

આ સ્પર્ધાના પ્રિલિમિનરી અને ઝોનલ રાઉન્ડ બાદ દેશભરમાંથી કુલ 1078 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચ્યા હતા, જેમાંથી 918 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી અને 160 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા. ગ્રાન્ડ ફિનાલે(Grand Finale)નું સંચાલન જાણીતા ક્વિઝ માસ્ટર ગીરી બાલાસુબ્રહ્મયમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતીના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેમ(STEM) ક્વિઝ 4.0ના ફાઈનલ સહિત અલગ અલગ રાઉન્ડના વિજેતા વિદ્યાર્થીઓને નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (NFSU), ભાભા એટોમિક રીસર્ચ સૅન્ટર (BARC), ડીફેન્સ રીસર્ચ એન્ડ ડૅવલોપમેન્ટ ઑર્ગનાઈઝેશન (DRDO) તથા અમદાવાદ ખાતે આવેલ સ્પેસ એપ્લીકેશન સૅન્ટર (SAC)-ISRO જેવી દેશની વિવિધ નામાંકિત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની અને અત્યાધુનિક ટૅક્નોલોજીથી રૂબરૂ થવાની તક પ્રાપ્ત થશે.

આ ઇનામ વિતરણમાં ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ, GUJCOSTના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહુ, ગુજકોસ્ટ(GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
