Gandhinagar News : આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય સંગઠન સચિવ ડૉ. અશોક કુમાર વાર્ષ્ણેય (Dr Varshney)એ કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર કેમ્પસ ખાતે “યુવા જીવનનો મંત્ર: સ્વસ્થ જીવન શૈલી” વિષય પર પ્રેરણાદાયક વ્યાખ્યાન આપ્યું. તેમના સાથે આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય ડૉ. શિવાંગ સ્વામિનારાયણ પણ હાજર રહ્યા.
કાર્યક્રમમાં મહાનુભાવોને પ્રોફેસર ડૉ. ભાવિન પંડ્યા અને પ્રોફેસર દિવ્યાંગ દવે દ્વારા આવકારવામાં આવ્યા.

ડૉ. વાર્ષ્ણેયે (Dr Varshney)ફાર્મસી અને બીસનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીને સંબોધતા ખૂબ જ સરળ અને અસરકારક રીતે સ્વસ્થ જીવનશૈલીના મૂળ મંત્ર રજૂ કર્યા. તેમણે ઋતુ અનુસાર અને સ્થાનિક આહારના મહત્વ પર પ્રકાશ પાડતાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન લીમડાના ઉપયોગ તેમજ યકૃત આરોગ્ય માટે આમળાને એક અસરકારક ઔષધીય આહાર તરીકે રજૂ કર્યો.

તેમણે યુવાનોને શારીરિક અને માનસિક આરોગ્યમાં રોકાણ કરવા પ્રેરિત કરતાં જણાવ્યું કે “યુવાનીમાં ફિટનેસમાં કરેલું રોકાણ જીવનભર લાભ આપે છે.” પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતાં તેમણે અનુશાસન, નિયમિતતા અને રોજિંદા જીવનમાં આરોગ્ય માટે સમય ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ડૉ. વાર્ષ્ણેયે (Dr Varshney)માનસિક આરોગ્ય, પ્રસન્નતા અને આધ્યાત્મિક સંતુલનના મહત્વ પર પણ પોતાના વિચારો રજૂ કર્યા અને The Seven Spiritual Laws of Successનો ઉલ્લેખ કર્યો. તેમણે યુવાનોને જીવનમાં જુસ્સો, ઝંખના, સતત પ્રયત્ન અને મોટા સપના જોવાની પ્રેરણા આપી.

તેમણે “Seven Business Maharaja” પુસ્તકનો ઉલ્લેખ કરતાં ગુજરાત ના પનોતા સફળ ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીની પ્રેરણાદાયક સફળ યાત્રા રજૂ કરી અને યુવા પેઢીને સંસ્કારી, સ્વસ્થ જીવન જીવવા તથા પોતાના સપનાઓ સાકાર કરીને વિકસિત ભારતમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા.
કાર્યક્રમનો સમાપન ડૉ. અશોક કુમાર વાર્ષ્ણેય (Dr Varshney)અને ડૉ. શિવાંગ સ્વામિનારાયણને સ્મૃતિચિહ્ન અને ગૌ આધારિત પ્રોડક્ટ કીટ અર્પણ કરીને અને આભારવિધિ સાથે કરવામાં આવ્યો.
