Illegal Mini Petrol Pump Surat: સુરત શહેરમાં ઈંધણની કટોકટીનો ગેરફાયદો ઉઠાવીને લોકોના જીવ જોખમમાં મૂકતા તત્વો સામે અમરોલી પોલીસે લાલ આંખ કરી છે. અંજની કેનાલ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતા એક ગેરકાયદેસર મિની પેટ્રોલ પંપ પર પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સ્થળે સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળું ડીઝલ ખુલ્લેઆમ વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
ગુપ્ત બાતમીના આધારે પોલીસે પાડી રેડ
અમરોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંજની કેનાલ વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા ત્યાં મિની પેટ્રોલ પંપ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બે આરોપી ઝડપાયા
પોલીસે આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે સ્થળ પરથી ડીઝલ ભરેલા બે મોટા ટેન્કર અને ઓછી ગુણવત્તાવાળા શંકાસ્પદ ડીઝલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આમ, વાહનો અને ડીઝલ મળીને કુલ ₹22,69,000 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

