Surat Police Rescue Girl: સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર પાટીદાર ભવનની વાડી પાસેના તળાવ કિનારે આજે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘરકંકાસથી કંટાળેલી માત્ર 14 વર્ષની સગીરાએ જીવન ટૂંકાવવા માટે તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પુણા પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ દેવદૂત બનીને સગીરાનો જીવ બચાવી લીધો હતો.
Surat : શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પુણા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર પાટીદાર ભવન પાસેના તળાવ પર એક કિશોરી અચાનક દોડી આવી હતી. તે ખૂબ જ ગભરાયેલી અને તણાવમાં હતી. તળાવના કિનારે પહોંચીને તે પાણીમાં ઝંપલાવવાની તૈયારીમાં જ હતી કે ત્યાં હાજર લોકોની નજર તેના પર પડી. લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

“જો કોઈ નજીક આવ્યું તો કૂદી જઈશ”
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરની ટીમે જ્યારે સગીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ધમકી આપી હતી કે, “જો કોઈ મારી નજીક આવશે તો હું અત્યારે જ કૂદી જઈશ.” આ સ્થિતિમાં રેસ્ક્યૂ ટીમ માટે પડકાર વધી ગયો હતો. પરંતુ જવાનોએ હિંમત હાર્યા વગર પ્લાન બનાવ્યો અને એક તરફથી વાતોમાં પરોવી બીજી તરફથી જીવના જોખમે પાણીમાં ઉતરી સગીરાને પકડી પાડી હતી.
આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ
સગીરાને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે તેના ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલા ‘ઘરકંકાસ’ અને સતત થતા ઝઘડાથી તે માનસિક રીતે ભાંગી પડી હતી. આ માનસિક તણાવને કારણે જ તેણે આ અંતિમ પગલું ભરવાનું વિચાર્યું હતું.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
બચાવ કામગીરી બાદ સગીરાનું પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેને જીવનની કિંમત સમજાવ્યા બાદ તેના માતા-પિતાને બોલાવી જરૂરી સમજૂતી આપી સગીરાનો કબજો સોંપવામાં આવ્યો હતો. આ ઘટના એવા વાલીઓ માટે મોટો પાઠ છે જેમના ઘરના ઝઘડાઓની માઠી અસર બાળકોના માનસપટલ પર થતી હોય છે.
