Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પરથી રાંચી જવા નીકળેલી ઇન્ડિગોની ફ્લાઈટ (Indigo flight)માં એક દુઃખદ ઘટના સામે આવી છે. ફ્લાઈટ દરમિયાન 29 વર્ષીય યુવકની તબિયત અચાનક બગડતા વિમાનનું મધ્ય પ્રદેશના જબલપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરાવવું પડ્યું હતું. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ રાંચીમાં રહેતો સુદીપ કુમાર ગૌનિશ લાંબા સમયથી ફેફસાંની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો. તે પોતાની બહેન સાથે સારવાર માટે અમદાવાદ આવ્યો હતો. ડૉક્ટરની સલાહ બાદ બંને ઇન્ડિગો (Indigo Flight )ની એરબસ-320 ફ્લાઈટ દ્વારા રાંચી પરત ફરી રહ્યા હતા.
Indigo Flightનું જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
શુક્રવારે સવારે લગભગ 11:15 વાગ્યે અમદાવાદથી રવાના થયેલી ફ્લાઈટ (Indigo Flight ) બપોરે રાંચી પહોંચવાની હતી. જોકે, વિમાન જબલપુરના આકાશમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સુદીપને અચાનક શ્વાસ લેવામાં ભારે તકલીફ શરૂ થઈ હતી. તેની હાલત ગંભીર બનતા તેની બહેન અને અન્ય મુસાફરોએ તરત જ કેબિન ક્રૂને જાણ કરી હતી.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તરત જ જબલપુર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધ્યો અને બપોરે અંદાજે 1:01 વાગ્યે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
વિમાન નીચે ઉતરતા જ એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સની ટીમે એમ્બ્યુલન્સ મારફતે સુદીપને જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ જતા મોડી રાત્રે યુવકનું મોત થયું હતું.આ દરમિયાન ફ્લાઈટ લગભગ 50 મિનિટ સુધી જબલપુર એરપોર્ટ પર રોકાઈ રહી હતી, ત્યારબાદ અન્ય મુસાફરો સાથે રાંચી માટે રવાના થઈ હતી. યુવકના નિધનના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડથી વધુનો ગાંજો જપ્ત: બેંગકોકથી આવેલા યુપીના યુવકની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 50 કરોડનું હેરોઇન ઝડપાયું
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 1 કરોડનો હાઈબ્રિડ તો સુરતમાંથી 7 લાખનો ગાંજો ઝડપાયો
