Vadodara News/ વડોદરામાં રખડતા શ્વાન પછી હવે બિલાડીઓનો આતંક! 4 મહિનામાં 4,000 થી વધુ કેસ નોંધાયા

Vadodaraની SSG હોસ્પિટલમાં છેલ્લા 4 મહિનામાં બિલાડી અને શ્વાન કરડવાના ૪,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે હડકવાના જોખમ સામે લોકોને સચેત કર્યા.

Top Stories Gujarat Vadodara
Vadodara SSG Hospital Cat Bite Cases

Vadodara SSG Hospital Cat Bite Cases: વડોદરા શહેરમાં રખડતા પ્રાણીઓનો ત્રાસ દિન-પ્રતિદિન ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. સામાન્ય રીતે શેરીઓમાં રખડતા શ્વાન (કૂતરા) કરડવાના બનાવો અવારનવાર હેડલાઇન્સ બનતા હોય છે, પરંતુ વડોદરાની જાણીતી સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાંથી એક અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ અને તેના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) ડો. હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા અનુસાર, વડોદરામાં હવે રખડતા કૂતરા કરતાં બિલાડી કરડવાના કેસોમાં મોટો અને અણધાર્યો વધારો જોવા મળી રહ્યો છે.

Vadodara  : દર મહિને સરેરાશ 1,000 નાગરિકો બની રહ્યા છે ભોગ

SSG હોસ્પિટલના સત્તાવાર મેડિકલ રિપોર્ટ પ્રમાણે, વડોદરા શહેરમાં દર મહિને આશરે 1000 જેટલા કેસ રખડતા પ્રાણીઓ કરડવાના કે નખ મારવાના નોંધાઈ રહ્યા છે. ચાલુ વર્ષના માત્ર છેલ્લા ચાર મહિનાના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 4000 થી વધુ નાગરિકો રખડતા પ્રાણીઓનો ભોગ બની ચૂક્યા છે. આ તમામ પીડિતો સરકારી હોસ્પિટલમાં એન્ટી-રેબીસ (હડકવા વિરોધી) રસી લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિએ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે.

“અંધશ્રદ્ધા અને ઘરગથ્થુ ઉપચારો જીવલેણ સાબિત થઈ શકે”

હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે શ્વાન કે બિલાડી કરડવાની કે નખ મારવાની ઘટનાને ક્યારેય નજીવી ગણીને હળવાશથી ન લેવી જોઈએ. ઘણીવાર લોકો આવી ઘટનાઓ બાદ ડરના માર્યા ઘરગથ્થુ ઉપચારો કરવા લાગે છે અથવા અંધશ્રદ્ધામાં આવીને ભૂવા-તાંત્રિકો પાસે દોડી જાય છે, જે દર્દી માટે ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે.

હડકવા જોખમી રોગ, તાત્કાલિક રસીકરણ જ એકમાત્ર ઉપાય

RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, “હડકવા એ ખૂબ જ જોખમી અને અસાધ્ય રોગ છે. તેથી, કોઈ પણ રખડતું પ્રાણી કરડે કે તીક્ષ્ણ નખ મારે તો અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જવું જોઈએ અને સમયસર એન્ટી-રેબીસ વેક્સિનનો પૂરો કોર્સ લેવો અત્યંત જરૂરી છે.” જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી તકે રખડતા પ્રાણીઓના નિયંત્રણ અને ખસીકરણ માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ભયાવહ બની શકે છે.


આ પણ વાંચો: વડોદરામાં શ્વાનનો આંતક, એક જ કલાકમાં સાત લોકો બન્યા આ હુમલાનો ભોગ

આ પણ વાંચો: વડોદરામાં ઢોર નિયંત્રણ કાયદાને લઈ પડ્યા પડઘા, દૂધ શ્વાનને પીવડાવી કરાયો વિરોધ

આ પણ વાંચો: વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં