Ahmedabad News : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad Airport) પર સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. એરપોર્ટ પરથી અંદાજે 45થી 50 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપાયું (Heroin Seized)છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કેરળનો રહેવાસી છે અને તે મલેશિયાથી આ નશીલો જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હતો.કુઆલાલંપુરથી અમદાવાદ આવેલા આ મુસાફરની તપાસ દરમિયાન તેના સામાનમાંથી અંદાજે 9 કિલો હેરોઇન મળી આવ્યું હતું.
કબજે કરાયેલા હેરોઈન (Heroin Seized)ની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 45થી 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

માહિતી મુજબ, એરપોર્ટ પર શંકાસ્પદ હલચલને આધારે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી પાસેથી ભારે માત્રામાં હેરોઇન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 45થી 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
તપાસ એજન્સીઓએ જણાવ્યું કે આરોપીને મલેશિયામાં એક મહિલાએ આ જથ્થો સોંપ્યો હતો. હાલ એ મહિલાની ઓળખ મેળવવા અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીના બેંક એકાઉન્ટ, કોલ ડિટેલ્સ અને આંતરરાષ્ટ્રીય સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓ હવે આ મામલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાણ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે. એરપોર્ટ પર વધતી ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.
