Gandhinagar News/ ઉદ્યોગ ભવનનો ક્લાસ-2 અધિકારી લાંચ લેતા ઝડપાયો

ACBએ આરોપી ક્લાસ-2 અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

Gujarat Gandhinagar Breaking News
ગાંધીનગરના સરકારી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે

Gandhinagar News : ગાંધીનગરના સરકારી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલને ACBએ 50 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

માહિતી મુજબ, આરોપી અધિકારીએ બાંધકામ પ્રોજેક્ટ માટે ફાયર NOC અને સંબંધિત સર્ટિફિકેટ માન્ય રાખવા બદલ કુલ 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પેસિવ ફાયર સિસ્ટમ લગાવવાનું કામ કરતા વેપારી હોવાનું સામે આવ્યું છે.

ફાયર સર્ટિફિકેટ મંજૂરી માટે માંગ્યા હતા 5 લાખ

ફરિયાદી દ્વારા વિવિધ પ્રોજેક્ટમાં પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ તેના પ્રમાણપત્રો મંજૂરી માટે ગાંધીનગર કચેરીમાં રજૂ કરવામાં આવતા હતા. આ સર્ટિફિકેટ્સને મંજૂરી આપવા અને ફાયર NOC પ્રક્રિયા સરળ બનાવવા બદલ મનિષકુમાર રાવલે 5 લાખ રૂપિયાની કથિત લાંચ માંગી હતી.

ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા હપ્તામાં નાણાં આપવાની વાત કરી હતી. જે અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ACBએ ગોઠવ્યો ટ્રેપ

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમદાવાદ શહેર ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મદદનિશ નિયામક એમ.એચ. પુવારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. વાળા અને તેમની ટીમે ગાંધીનગરના ઘ-2 સર્કલ પાસે ટ્રેપ ગોઠવ્યો હતો.

પટેલ આઈસ્ક્રીમ નજીક AMTS બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર ફરિયાદીએ આરોપીને 50 હજાર રૂપિયા આપતા જ ACBની ટીમે દરોડો પાડી મનિષકુમાર રાવલને રંગેહાથ ઝડપી લીધો હતો.

આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો

ACBએ આરોપી ક્લાસ-2 અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીના ભ્રષ્ટાચારના નેટવર્ક અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો : ભાવનગરમાં લાંચ કેસમાં ફાયર ઓફિસર સહિત બે ઝડપાયા

આ પણ વાંચો : સુરતના પશુ ચિકિત્સકને લાંચ કેસમાં 3 વર્ષની સખત કેદની સજા

આ પણ વાંચો : બનાસકાંઠામાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ કેસમાં બેંક તપાસ શરૂ