Mahisagar Unseasonal Rain: રાજ્યમાં હવામાનમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદે (માવઠાએ) ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. મહીસાગર જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે ખેતરોમાં વિનાશ વેર્યો છે, જેના કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. જિલ્લામાં ઉનાળુ પાક, ખાસ કરીને ખેડૂતોના મુખ્ય પાક એવી બાજરીને ભારે નુકસાન પહોંચ્યું છે.

Mahisagar : ખેતરોમાં ઊભેલો બાજરીનો પાક જમીનદોસ્ત
મહીસાગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો ઉનાળુ પાક તરીકે બાજરીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પાક સારો થવાની આશા હતી અને ખેતરોમાં બાજરી લહેરાઈ રહી હતી. પરંતુ, અચાનક ત્રાટકેલા માવઠા અને તેજ પવને ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. તૈયાર થવા આવેલો બાજરીનો ઊભો પાક પવન અને વરસાદના કારણે ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો છે. પાક આડો પડી જવાના કારણે દાણા ખરી પડ્યા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
પશુઓ માટેનો ઘાસચારો પણ બરબાદ
આ માવઠાએ ખેડૂતોને બેવડો માર માર્યો છે. ખેડૂતો માત્ર અનાજ માટે જ નહીં, પરંતુ પોતાના પશુઓના નિભાવ માટે પણ બાજરીના પાક પર નિર્ભર હોય છે. બાજરીના પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન તો ગયું જ છે, પરંતુ સાથે-સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ સંપૂર્ણપણે પલળીને સડી જવાની ભીતિ સર્જાઈ છે. એક સ્થાનિક ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, “હવે આ ઘાસચારો પણ ઢોર-ઢાંખરને ખવડાવવા કામમાં નહીં આવે. અનાજ તો ગયું, પણ હવે પશુઓને શું ખવડાવવું તે મોટો પ્રશ્ન છે.”

સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ
મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસની કાળી મજૂરી બાદ જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે જ કુદરતે રૂદ્ર સ્વરૂપ બતાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેમના માટે જીવન ટકાવી રાખવું અને પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની જશે. હાલ મહીસાગરના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે સત્વરે સહાયની માંગણી કરી છે
