Oil Market Update Summary: અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા દ્વારા પ્રતિબંધોમાં આપવામાં આવેલી કામચલાઉ છૂટને કારણે લગભગ 7 વર્ષના લાંબા ગાળા બાદ ઈરાની કાચા તેલની (Iranian Crude Oil) ખેપ ભારત પહોંચી છે. અંદાજે 40 લાખ (4 મિલિયન) બેરલ કાચું તેલ લઈને બે સુપરટેન્કર ભારતના પૂર્વી અને પશ્ચિમી કિનારે પહોંચ્યા છે. આ તેલ એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરોની નાકેબંધી (બ્લોકેડ) કરવાની જાહેરાત કરી છે.
જહાજોનું આગમન અને તેલનો જથ્થો
નેશનલ ઈરાની ટેન્કર કંપની દ્વારા સંચાલિત ‘ફેલિસિટી’ નામનું વિશાળ જહાજ રવિવારે મોડી રાત્રે ગુજરાતના સિક્કા કિનારે પહોંચ્યું છે. આ જહાજમાં 20 લાખ બેરલ તેલ છે, જે માર્ચના મધ્યમાં ઈરાનના ખાર્ગ ટાપુ પરથી લોડ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, બીજું ટેન્કર ‘જયા’ ઓડિશાના પારાદીપ કિનારે પહોંચ્યું છે, જેમાં પણ 20 લાખ બેરલ તેલ છે. ‘જયા’ માં રહેલું તેલ ફેબ્રુઆરીના અંતમાં લોડ કરવામાં આવ્યું હતું.
અમેરિકાની કામચલાઉ છૂટનો ફાયદો
ઈરાની તેલનું (Iranian Crude Oil) ભારત આવવું એ અમેરિકી પ્રશાસન દ્વારા ગયા મહિને આપવામાં આવેલી 30 દિવસની પ્રતિબંધ મુક્તિનું પરિણામ છે. વૈશ્વિક સ્તરે તેલની સપ્લાય વધારવા અને કિંમતો પર કાબૂ મેળવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. આ એક મહિનાની છૂટ માત્ર માર્ગમાં રહેલા તેલને વેચવાની મંજૂરી આપે છે.
મુખ્ય ખરીદદારો અને મહત્વના આંકડા
પારાદીપ બંદર મુખ્યત્વે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા સંચાલિત છે, જેણે તેલની ખરીદીની પુષ્ટિ કરી છે. જ્યારે ગુજરાતનું સિક્કા બંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત પેટ્રોલિયમ (BPCL) માટેનું મુખ્ય હબ છે.
ભારત ઈરાની તેલનો (Iranian Crude Oil) મોટો ખરીદદાર રહ્યો છે. 2018 માં ભારત દરરોજ 5,18,000 બેરલ તેલ ખરીદતું હતું, પરંતુ મે 2019 થી અમેરિકી પ્રતિબંધોને કારણે આ આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. પ્રતિબંધો પહેલા ભારતની કુલ તેલ આયાતમાં ઈરાનનો હિસ્સો 11.5 ટકા હતો.
ભવિષ્યની શક્યતાઓ (Iranian Crude Oil)
અમેરિકી પ્રતિબંધોમાંથી મળેલી આ છૂટની અવધિ 19 એપ્રિલે પૂરી થઈ રહી છે. હાલમાં અંદાજે 9.5 કરોડ બેરલ ઈરાની તેલ સમુદ્રમાં જહાજો પર હાજર છે, જેમાંથી 5.1 કરોડ બેરલ ભારતને વેચી શકાય તેમ છે. જોકે, ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરોની નાકેબંધીની ચેતવણી બાદ આ સપ્લાય લાંબો સમય ચાલુ રહેવાની શક્યતા ઓછી છે, કારણ કે અમેરિકા ઈરાનની આવક પર સંપૂર્ણ અંકુશ લગાવવા માંગે છે.
આ પણ વાંચો : અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો
