International News Summary: મધ્ય-પૂર્વમાં શાંતિની આશા સાથે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા (US) અને ઈરાન વચ્ચેની 21 કલાક લાંબી મેરેથોન બેઠક કોઈપણ પરિણામ વગર પૂર્ણ થઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કોઈ પણ સમજૂતી વિના જ અમેરિકા પરત ફરી રહ્યા છે. બંને દેશો વચ્ચેની કટ્ટરતા અને આકરી શરતોને કારણે આ ઐતિહાસિક મંત્રણા પડી ભાંગી છે, જેનાથી આગામી સમયમાં વૈશ્વિક તેલ બજાર અને અર્થતંત્ર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મંત્રણા નિષ્ફળ જવાના 3 મુખ્ય કારણો પણ છે જે નીચે મુજબ છે.
હોર્મુઝની સામુદ્રધુની :
આ આખી મંત્રણામાં સૌથી મોટો વિવાદ આ દરિયાઈ માર્ગને લઈને હતો. અમેરિકાની (US)માંગ હતી કે વૈશ્વિક તેલ પુરવઠા માટે આ માર્ગ હંમેશા અવરોધ રહિત ખુલ્લો રહેવો જોઈએ. જ્યારે ઈરાન આ વિસ્તાર પર પોતાનું નિયંત્રણ છોડવા તૈયાર નથી. ઈરાને સ્પષ્ટ કહ્યું કે સમાન ફ્રેમવર્ક વગર હોર્મુઝની સ્થિતિ બદલાશે નહીં.
પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ સંવર્ધન:
અમેરિકાએ ઈરાન પાસે લેખિત ગેરંટી માંગી હતી કે તેઓ ક્યારેય પરમાણુ બોમ્બ નહીં બનાવે. સામે પક્ષે ઈરાને દલીલ કરી કે ‘યુરેનિયમ સંવર્ધન’ તેમનો અધિકાર છે અને તે ચાલુ રાખશે. આ મુદ્દો મંત્રણામાં સૌથી મોટો અવરોધ સાબિત થયો.
US -iran વળતર અને આર્થિક પ્રતિબંધો:
ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર અને વિદેશમાં ફસાયેલી પોતાની સંપત્તિ મુક્ત કરવાની માંગ કરી હતી. સાથે જ તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની શરત મૂકી હતી. અમેરિકાએ આ માંગણીઓ સ્વીકારવા માટે પરમાણુ શરતોનું પાલન અનિવાર્ય ગણાવ્યું હતું.
કોણે શું કહ્યું?
જેડી વેન્સ (અમેરિકી ઉપરાષ્ટ્રપતિ): “અમે અમારો શ્રેષ્ઠ પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ ઈરાને અમારી શરતો માનવાનો ઈન્કાર કર્યો. આ ઈરાન માટે ખરાબ સમાચાર છે.”
ઈરાન: “અમેરિકાની માંગણીઓ અતાર્કિક છે. અમને સમજૂતી માટે કોઈ ઉતાવળ નથી. સમાનતા હશે તો જ ડીલ થશે.”
અમેરિકા: “ડીલ થાય કે ન થાય, અમેરિકાને (US)કોઈ ફરક પડતો નથી. અમે દરેક હાલતમાં જીતીશું.”
હવે શું? ભારત અને દુનિયા પર અસર
મંત્રણા નિષ્ફળ જવાથી હવે હોર્મુઝની ખાડીમાં તણાવ ફરી વધી શકે છે. જો આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક સ્તરે ખનીજતેલની કિંમતોમાં જંગી ઉછાળો આવી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે. હાલમાં આગળના તબક્કાની કોઈ શાંતિ મંત્રણાની યોજના નથી.
આ પણ વાંચો : ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક
