Gujarat PSI Exam 19 April 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડરની 858 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 19 એપ્રિલ, 2026 ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મુખ્ય શહેરોમાં આ મહત્વની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે હાઈટેક ટેકનોલોજી અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Examનું માળખું અને ઉમેદવારોની વિગત
બિન હથિયારી પો.સ.ઈ., હથિયારી પો.સ.ઈ. (પ્લાટુન કમાન્ડર) અને જેલર ગૃપ-2 ની કુલ 858 જગ્યાઓ માટે યોજાનારી આ પરીક્ષામાં શારીરિક કસોટી પાસ કરનાર 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. આ પરીક્ષા માટે કુલ 371 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોલ લેટરની વાત કરીએ તો, અત્યાર સુધીમાં એક લાખથી વધુ ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે.
ગેરરીતિ અટકાવવા માટે ‘હાઈટેક’ વોચ
ભરતી બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષાને પારદર્શક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉમેદવારોના બાયોમેટ્રિક ડેટા અને ફોટોગ્રાફનું બે વખત વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષાના પેપર અને સાહિત્ય લઈ જનારા તમામ વાહનોને જીપીએસ (GPS) દ્વારા ટ્રેક કરવામાં આવશે, જેનું સીધું મોનિટરિંગ કરાઈ સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી થશે. સાથે જ, દરેક ક્લાસરૂમ અને પરીક્ષા કેન્દ્ર સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ રહેશે જેથી કોઈ પણ ગેરરીતિને રોકી શકાય.
12,000 કર્મચારીઓનો કાફલો તૈનાત
પરીક્ષાની કામગીરીમાં કોઈ ચૂક ન રહે તે માટે 4,000 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શિક્ષણ વિભાગના 8,000 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. દરેક સેન્ટર પર એક PI અથવા PSI કક્ષાના અધિકારી ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન સીનિયર IGP અને DIGP કક્ષાના અધિકારીઓ કરશે.
ઉમેદવારો માટે મહત્વની સૂચના અને હેલ્પલાઇન
પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા અને કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં ન જોડાવા માટે ભરતી બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને સમસ્યા હોય અથવા મદદની જરૂર હોય, તો નીચેના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે:
- 📞 8160880331
- 📞 8160853877
- 📞 8160809253
આ પણ વાંચો:ગુજરાત PSI ભરતીનું અંતિમ પરિણામ જાહેર, 472 ઉમેદવારો પસંદ
આ પણ વાંચો:લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી…
