Varsha Vasava Statement: ભરૂચ-નર્મદા બેઠક પર લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ડેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ જાહેરમંચ પરથી ભાજપના સાંસદ મનસુખ વસાવા અંગે કરેલા એક દાવાએ ખળભળાટ મચાવી દીધો છે. વર્ષાબેને દાવો કર્યો છે કે નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. આ નિવેદન બાદ હવે ખુદ સાંસદે મેદાનમાં આવીને આકરો જવાબ આપ્યો છે.
Varsha Vasavaનો ચોંકાવનારો દાવો
એક જાહેર સભામાં સંબોધન કરતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે, “નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે ઝઘડો થયો હતો અને નીલ રાવે મનસુખ વસાવાને લાફો માર્યો હતો.” ચૂંટણીના નિર્ણાયક સમયે જ જાહેર મંચ પરથી કરાયેલા આ વ્યક્તિગત આક્ષેપથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે.
“વર્ષા તો મારી દીકરી સમાન છે”
આ નિવેદન વાયરલ થતા જ સાંસદ મનસુખ વસાવાએ તેને પાયાવિહોણું જૂઠ્ઠાણું ગણાવ્યું હતું. તેમણે આ મામલે ષડયંત્રનો આક્ષેપ કરતા જણાવ્યું કે વર્ષા વસાવા પાસે જબરદસ્તી આવું બોલાવવામાં આવ્યું છે અને સુરત AAPના સોશિયલ મીડિયા સેલના લોકોએ આ આખું ષડયંત્ર રચ્યું છે. મનસુખભાઈએ વધુમાં ઉમેર્યું કે વર્ષા વસાવા તો તેમની દીકરી સમાન છે, પરંતુ વિરોધીઓ તેને આગળ ધરીને ગંદુ રાજકારણ રમી રહ્યા છે. પોતાની જ પાર્ટી સામે પણ બોલવા માટે જાણીતા અને સ્પષ્ટ વક્તા તરીકેની છાપ ધરાવતા મનસુખ વસાવાએ આ તમામ વાતોને સદંતર નકારી કાઢી છે.
આઠમી ચૂંટણી નહીં લડે મનસુખ વસાવા!
આ વિવાદની વચ્ચે મનસુખ વસાવાનું વધુ એક નિવેદન ચર્ચામાં છે. તેમણે જાહેરાત કરી છે કે, “મેં સાત ચૂંટણી લડી છે, હવે યુવા કાર્યકરોને તક આપવી જોઈએ. હું હવે આઠમી ચૂંટણી નહીં લડું.” સાંસદના આ નિવૃત્તિના સંકેતથી ભરૂચ-નર્મદા બેઠક પર નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.
