Morbi Halvad Canal Drowning Case: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામ પાસેથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ આજે એક પરિવાર માટે કાળમુખી સાબિત થઈ છે. પિતા સાથે ટ્રકમાં મુસાફરી કરી રહેલા તમિલનાડુના બે કિશોરો કેનાલમાં ન્હાવા જતાં પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Morbi : મુસાફરી બની અંતિમ યાત્રા
મળતી માહિતી મુજબ, આ બંને બાળકો મૂળ તમિલનાડુના વતની છે અને તેમના પિતા સાથે ટ્રકમાં બેસીને મોરબી તરફ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન હળવદના માનસર ગામ પાસે ટ્રક ઊભો રહ્યો ત્યારે ગરમીથી રાહત મેળવવા 13 અને 15 વર્ષની વયના બંને ભાઈઓ કેનાલમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જોકે, કેનાલમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને બાળકો ક્ષણભરમાં પિતાની નજર સામે જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન
બાળકો ડૂબતા જ પિતાએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા કેનાલના ઊંડા પાણીમાં બંને કિશોરોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પરિવારમાં આક્રંદ
પિતા સાથે ટ્રક પ્રવાસમાં મોજ-મસ્તી કરતા નીકળેલા આ કિશોરો માટે આ સફર આખરી સાબિત થશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. પોતાની નજર સામે જ બે લાડકવાયા દીકરાઓને ડૂબતા જોઈ પિતાની હાલત કફોડી બની ગઈ છે. પરિવારમાં અત્યારે ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
