Gujarat High Court Women Reservation Verdict: ગુજરાતની હજારો શિક્ષિત યુવતીઓ અને સરકારી નોકરીની તૈયારી કરતી દીકરીઓ માટે આજે એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે મહિલા અનામત અંગેના વર્ષ 2018ના વિવાદાસ્પદ સરકારી પરિપત્રને રદબાતલ ઠેરવી દીધો છે. આ સાથે જ છેલ્લા 7 વર્ષથી ન્યાય માટે લડત આપી રહેલી 3 દીકરીઓને તાત્કાલિક સરકારી નોકરી આપવાનો કોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ મામલો ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી સાથે જોડાયેલો છે. ઓપન મેરિટમાં વધુ માર્કસ હોવા છતાં, અનામત વર્ગની (દલિત, આદિવાસી અને બક્ષીપંચ) 3 દીકરીઓની પસંદગી કરવામાં આવી ન હતી. તેમની જગ્યાએ ઓપન કેટેગરીમાં ઓછા માર્કસ ધરાવતી મહિલાઓને નોકરી આપી દેવાઈ હતી.
અરજદારના વકીલ કેવલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, 2018ના આ પરિપત્રને કારણે તેજસ્વી દીકરીઓને અન્યાય થઈ રહ્યો હતો, જેની સામે તેમણે લાંબા સમય સુધી ગાંધીનગરમાં ધરણા અને કાયદાકીય લડત ચલાવી હતી.
High Courtનો કડક નિર્દેશ
ન્યાયમૂર્તિએ આ કેસમાં સરકારની ઝાટકણી કાઢતા સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) આગામી ૨ અઠવાડિયામાં આ ઉમેદવારોની ભલામણ કરે અને રાજ્ય સરકાર આગામી ૬ અઠવાડિયામાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ ૩ યુવતીઓને નિમણૂક પત્ર આપે.
સીનિયોરિટી અને પગારના લાભ પણ મળશે
હાઈકોર્ટે માત્ર નોકરી આપવાનો જ નહીં, પરંતુ એક કદમ આગળ વધીને આ દીકરીઓની સીનિયોરિટી પણ મૂળ ભરતીની તારીખથી ગણવાનો આદેશ કર્યો છે. એટલે કે, તેમને 7 વર્ષનો અનુભવ અને તે મુજબના લાભો પણ મળશે. આ ચુકાદો આવતા જ આદિવાસી અને પછાત વર્ગની દીકરીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તમામ મહિલા ઉમેદવારો માટે ખુલ્યા દ્વાર
આ ચુકાદો માત્ર આ 3 દીકરીઓ પૂરતો સીમિત નથી. 2018ના પરિપત્રને કારણે જે પણ મહિલા ઉમેદવારોને અન્યાય થયો છે, તેમના માટે પણ હવે ન્યાયના દ્વાર ખુલ્યા છે. હાઈકોર્ટના આ સપાટાએ સાબિત કર્યું છે કે મેરિટમાં આવતી દીકરીઓને અનામતના નામે હકથી વંચિત રાખી શકાય નહીં.
આ પણ વાંચો:હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને વેચી દીધુઃ રેશ્મા પટેલ
આ પણ વાંચો:ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો:બે દિવસમાં કોર્ટે બીજું વોરંટ જારી કર્યું, નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો
