Bodeli News/ બોડેલીમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચતા રસ્તાઓ થયા સાવ સૂમસામ

છોટાઉદેપુર જિલ્લાના Bodeliમાં 44 ડિગ્રી આકરી ગરમીને કારણે કરફ્યુ જેવો માહોલ. ડીહાઇડ્રેશન અને લૂ ના કેસોમાં વધારો થતા તબીબોએ આપી કામ વગર બહાર ન નીકળવાની સલાહ.

Gujarat Top Stories Others
Bodeli Heatwave News

Bodeli Heatwave News: રાજ્યભરમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ઉનાળાએ પોતાનો રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કાળઝાળ ગરમી અને લૂ ના કારણે બપોરના સમયે આખું બોડેલી નગર જાણે અઘોષિત કરફ્યુ લાગ્યો હોય તેમ સંપૂર્ણપણે સૂમસામ ભાસી રહ્યું છે.

Bodeli : સાંજે 7 વાગ્યે પણ 41 ડિગ્રી તાપમાન

સામાન્ય દિવસોમાં બોડેલી નગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો, ખરીદી અને વેપાર-ધંધાને કારણે સતત ધમધમતું રહે છે. પરંતુ હાલમાં બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી મુખ્ય બજારો, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તાર સાવ ખાલીખમ જોવા મળે છે. ગરમીની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, સાંજે 6 વાગ્યે પણ તાપમાન 43 ડિગ્રી અને રાત્રે 7 વાગ્યે 41 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે.

હીટસ્ટ્રોક અને ડીહાઇડ્રેશનના કેસ વધ્યા

હાલમાં એક તરફ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ આકરી ગરમીએ લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પાડી છે. સતત ગરમીને કારણે લૂ લાગવી (હીટસ્ટ્રોક), ડીહાઇડ્રેશન અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાતા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાવા લાગ્યા છે. દર્દીઓની આ વધતી સંખ્યાને જોતા ડોક્ટરોએ પણ ખાસ અપીલ કરી છે કે વૃદ્ધો, નાના બાળકો અને મજૂરી કરતા લોકોએ બપોરના આકરા તડકામાં કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

નાના વેપારીઓ અને શ્રમિકોની હાલત કફોડી

બપોરના સમયે ગ્રાહકોની અવરજવર સાવ નહિવત થઈ જતાં સ્થાનિક વેપારીઓના ધંધા પર મોટી અસર પડી છે. ગરમીથી રાહત મેળવવા દુકાનદારો રસ્તા પર પાણીનો છંટકાવ કરતા અને પંખા-કુલરનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં પણ કમાવવા નીકળતા છૂટક મજૂરો અને રિક્ષાચાલકોને ગરમ પવનના સુસવાટા વચ્ચે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઠંડા પીણાં અને જ્યુસ સેન્ટરો પર લોકોની ભીડ

ગરમીથી બચવા અને ગળાને ભીનું રાખવા માટે લોકો હવે ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બોડેલી શહેરના વિવિધ જ્યુસ સેન્ટરો, શેરડીના ચિચોડા અને લીંબુ શરબત-છાશની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનો આ પ્રકોપ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખવા અને શરીરમાં પાણીની કમી ન સર્જાય તે માટે સતત પ્રવાહી લેતા રહેવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ: અંબાલાલ પટેલ

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે? હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, જાણો તામારા શહેરનું તાપમાન

આ પણ વાંચો:ગરમીમાં શેકાયું ગુજરાત, અમદાવાદમાં 43.2, સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન