Tarnetar Fair Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં આ વર્ષે ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ સાથે લોકસંસ્કૃતિ અને પરંપરાની સાથે રમતગમતનો પણ રંગ જોવા મળશે. લાખોની સંખ્યામાં લોકો મેળામાં પહોંચે તેવી શક્યતા છે.
ચાર દિવસ સુધી લોકસંસ્કૃતિનો રંગ
તરણેતર મેળામાં(Tarnetar Fair) રાસ-ગરબા, લોકસંગીત, દુહા-છંદ અને વિવિધ પરંપરાગત કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે. 15 સપ્ટેમ્બરે મેળામાં રાસ-ગરબા અને લોકકલાની રમઝટ જોવા મળશે. ટીટોડો અને હૂડારાસ જેવી પરંપરાગત રમતો પણ મેળાની આગવી ઓળખ છે. 16 સપ્ટેમ્બરે ઋષિ પંચમીના દિવસે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ બાવન ગજની ધજાનું ધ્વજારોહણ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત મંદિરની આસપાસ આવેલા કુંડમાં સ્નાનનું પણ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. સાંજે ગંગા વિદાય આરતી યોજાશે. 17 સપ્ટેમ્બરે સવારે મહાદેવની આરતી બાદ બપોરે 12 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ તરણેતર મેળો-2026 પૂર્ણ થશે.

Tarnetar Fairમાં 21મી ગ્રામીણ ઓલિમ્પિક
આ વખતે મેળામાં(Tarnetar Fair) રમતગમતને પણ વિશેષ સ્થાન મળ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય 21મી ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં 100, 200, 400 અને 800 મીટરની દોડ, લાંબી કૂદ, ગોળાફેંક અને 4×100 મીટર રિલે જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાશે. લંગડી, કબડ્ડી, વોલીબોલ અને કુસ્તી જેવી રમતોમાં પણ ખેલાડીઓ ભાગ લેશે.
પરંપરાગત રમતો અને રોકડ ઇનામ
ગ્રામીણ ઓલિમ્પિકમાં માટલા દોડ, નારિયેળ ફેંક, સાતોડી, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સ્ટ્રોન્ગેસ્ટમેન જેવી રમતો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. રસ્સાખેંચમાં 10 ખેલાડીઓની ટીમો ભાગ લેશે. સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતાને રૂ.25 હજાર, બીજા ક્રમે રૂ.20 હજાર અને ત્રીજા ક્રમે રૂ.15 હજારનું ઇનામ આપવામાં આવશે. બાળદગાડ શણગાર-રેસમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને રૂ.5 હજારની પ્રોત્સાહન રકમ અપાશે.

દ્રૌપદીના સ્વયંવર સાથે જોડાયેલી લોકવાયકા
તરણેતર(Tarnetar Fair) માત્ર મેળા માટે જ નહીં, પરંતુ તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ માટે પણ જાણીતું છે. માન્યતા મુજબ સ્કંદપુરાણ સાથે જોડાયેલી કથામાં ભગવાન વિષ્ણુએ અહીં ભગવાન શિવની આરાધના કરી હતી અને પોતાના નેત્રનું કમળ અર્પણ કર્યું હતું. ત્યારથી ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા હોવાની માન્યતા છે. તરણેતર અને પાંચાળભૂમિને મહાભારતકાળની દ્રૌપદીના સ્વયંવર સાથે જોડતી લોકવાયકા પણ પ્રચલિત છે. માન્યતા મુજબ અર્જુને અહીં માછલીની આંખ વીંધીને દ્રૌપદીને જીત્યા હતા. આ રીતે આ વર્ષે તરણેતર મેળો લોકસંસ્કૃતિ, રમતગમત, ધાર્મિક આસ્થા અને પ્રવાસનનો અનોખો સંગમ બની રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં તરણેતરનો મેળો શરૂઃ મેળા શોખીનોનો થશે જમાવડો
આ પણ વાંચો:6 સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ
આ પણ વાંચો:તરણેતરના મેળામાં બે જૂથો વચ્ચે ભીષણ અથડામણ અને મારામારીનો વીડિયો વાયરલ
