ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષને જબરદસ્ત સફળતા મળી છે. કુલ દસ હજાર બેઠકોમાંથી 7,500થી પણ વધુ બેઠકો કબ્જે કરીને શાસક પક્ષે શાસનના 30 વર્ષ પછી પણ સ્થાનિક સ્તરે હજી પણ તેનો દબદબો હોવાનું પ્રમાણ આપ્યું છે, જે તેના માટે વિશેષ સિદ્ધિ કહી શકાય. જો કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્વનું પાસુ હોય તો તે આમ આદમી પાર્ટી (આપ)નો થયેલો ઉદય છે. તેને ગુજરાતમાં 650 જેટલી બેઠકો મળી છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખૂલ્યુ છે. પણ હવે પક્ષ લાંબા સમય સુધી આ આનંદ મનાવી શકે તેમ નથી.
શાસક પક્ષ ભાજપે આગામી વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે કોંગ્રેસને તોડવાનું બાજુએ મૂકીને આમ આદમી પાર્ટીને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેનું એક કારણ આમ આદમી પાર્ટીની અંદર ચાલતો આંતરિક કલહ પણ છે. તેનો ફાયદો ઉઠાવીને ભાજપ હવે ‘ઝાડું’ને વેરવિખેર કરવા માંગે છે. હાલમાં આમ આદમી પાર્ટીની અંદર પક્ષના જ બે મોટા માથા બનેલા ગોપાલ ઇટાલિયા અને પક્ષપ્રમુખ ઇસુદાન ગઢવી વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે અને તેનો ફાયદો ઉઠાવવા શાસક પક્ષ ભાજપ આતુર છે.
ભાજપે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના સાત સાંસદોને તોડ્યા છે. તેમા સંદીપ પાઠક જેવા વ્યૂહરચનાકારનો પણ સમાવેશ થાય છે. તેમણે દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની વ્યૂહરચના રચી હતી. હવે આ જ સંદીપ પાઠકની મદદ લઈને ભાજપ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને વિખેરી નાખવાનું આયોજન ધરાવે છે. તેમા પણ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી વચ્ચેની ખેંચતાણ મદદરૂપ નીવડી શકે છે.
તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત અને યુવા આગેવાન રાજુ કરપડાએ આ આંતરિક ખેંચતાણથી કંટાળીને પક્ષ ત્યજ્યો હતો. આ જ રીતે આપના અન્ય આગેવાન સાગર રબારીએ પણ પક્ષના બધા હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. આગામી દિવસોમાં આપના ગઢમાંથી વિવિધ પ્રકારના કાંકરા ખરી શકે તો આશ્ચર્ય નહીં થાય.
વર્તમાન શાસક પક્ષ ઇચ્છે છે કે આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ 2022ની વિધાનસભા ચૂંટણી જેવા જ આવે. બીજા પક્ષોનો કોઈ ગજ જ વાગે નહી.
આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દેખાવ પરથી તો કમસેકમ 25 વિધાનસભા મતવિસ્તારો કબ્જે કરવાની અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસે હટાવીને બીજા સ્થાને આવવાની આશા છે. આ માટે તેણે જોરશોરથી તૈયારી પણ આદરી દીધી છે. આમ આદમી પાર્ટીને તળિયાના સ્તરે મળતું સમર્થન જોઈને સરકાર પણ ચોંકી ઉઠી છે. આજે ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યમાં એકપણ બેઠક ન ધરાવતી આમ આદમી પાર્ટી પાસે ચારેક જિલ્લા પંચાયતો છે અને કેટલીક તાલુકા પંચાયતો પણ છે. તેમા પણ મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં તો આમ આદમી પાર્ટીનો દેખાવ ઘણો સારો રહ્યો છે. સરકારને પણ અંદેશો આવવા માડંયો છે કે પ્રજા સંભવતઃ હવે ત્રીજો વિકલ્પ અજમાવવા પર વિચારી રહી છે. તેથી વર્તમાન ભાજપ શાસને અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધવાનો પ્રારંભ કરી દીધો છે.
આમ રોગ અને શત્રુને ઉગતા જ ડામવા તે ન્યાયે ભાજપે હવે પક્ષ તોડવા માટેની તેની તોપનુ નાળચુ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી તરફ ફેરવ્યુ છે. આમ આદમી પાર્ટીના ગઢના હાલમાં રહી ગયેલા ઘણા કિલ્લાઓને ધ્વસ્ત કરવા માટે સંદીપ પાઠકનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આમ આદમી પાર્ટીમાં બાકી રહી ગયેલા ધારાસભ્યોની વિકેટ ગમે ત્યારે ખેરવવામાં આવી શકે છે તેવી સંભાવના વધુ પ્રબળ બની છે.
આના પગલે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો પક્ષપલટો કરે તો નવાઈ નહી લાગે. જો કે પક્ષપલટો કરનારા ધારાસભ્યોએ તે જોવું જોઈએ કે તેમની સ્થિતિ આમ આદમી પાર્ટીમાંથી ગયેલા ભૂપત ભાયાણી જેવી ન થાય. કમસેકમ તેટલી ખાતરી તો તેમણે મેળવી જ લેવી પડશે. તેથી પોતાનો જનાધાર પક્ષ નહીં પણ વ્યક્તિગત ધોરણે મજબૂત હોય તેવા આગેવાનો જ આગામી દિવસોમાં પક્ષ છોડવાની હિંમત કરી શકે તેમ છે. હવે પક્ષે જે લોકોને ધારાસભ્ય તરીકે પસંદ કર્યા તેમની કેડર તરીકે પક્ષની જ કેડર હોય તો તેવા લોકો પક્ષપલટો કરે તો પણ પક્ષને તેનાથી કોઈ ફેર પડતો નથી.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાવવાની છે. આ ચૂંટણી પૂર્વે શાસક પક્ષ પ્રજાના મિજાજને લઈને કોઈ વિકલ્પ બાકી રહેવા દેવા માંગતો નથી. શાસક પક્ષનું ધ્યેય એ છે કે પ્રજા સમક્ષ બીજો વિકલ્પ દેખાવવો ન જોઈએ. આથી તે નાના શહેરોના શહેરીજનોની પસંદ બનેલી આમ આદમી પાર્ટીને લક્ષ્યાંક બનાવી શકે છે.
આમ ભાજપના ઓપરેશન લોટસનું લક્ષ્યાંક આ વખતે કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી હશે, તેમા પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મળેલા જ્વલંત વિજયે ભાજપના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કર્યો છે તેથી આગામી દિવસોમાં ભાજપનું ઓપરેશન લોટસના સ્વરૂપમાં રાજકીય બુલડોઝર આમ આદમી પાર્ટી પર ફરી વળવા માટે એકદમ સજ્જ હશે.
તેના હાલના કેટલાક ધારાસભ્યો અંગે એમ જ કહેવાય છે કે તેઓ ફક્ત સારી ઓફરની જ રાહ જોઈ રહ્યા છે. જો તે મુજબની ઓફર મળી તો તે પવન પ્રમાણ સઢ બદલવા માટે તૈયાર છે. હવે ફક્ત શાસક પક્ષે આવા ફરવા માટે તત્પર હોય તેવા ધારાસભ્યોથી લઈને પક્ષના આગેવાનોને ફક્ત યોગ્ય ઓફર આપવાની છે. રાજુ કરપડાએ જે રીતે પાલો બદલ્યો, તે જ રીતે પક્ષના બીજા આગેવાનો પાલો બદલી શકે છે. આની ગંધ ભાજપને પણ આવી ગઈ છે.
બીજી બાજુએ ઇસુદાન અને ઇટાલિયાના આંતરિક કલહના કારણે પક્ષને કેટલાય નેતાઓ આંતરિક સ્તરે કંટાળ્યા છે. તેની અસર સીધી પક્ષની કામગીરી પર પડી છે. કાર્યકરો પણ આ ગૂંચવાડાભરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને ઉદાસ ચિત્તે પક્ષના ટોચના આગેવાનો વચ્ચેનો રાજકીય સંઘર્ષ નીહાળી રહ્યા છે. આમ કાર્યકરો પક્ષની નજર સામે જ પક્ષનું નામુ લખાતુ જોઈ રહ્યા છે. શાસક પક્ષે તો આગામી ચૂંટણીમાં આપને તેના જ ઝાડુ વડે સાફ કરવાની તૈયારી કરી લીધી છે. હવે તેની આશા કેટલી બર આવે છે તે સમય કહેશે, પણ ઝાડુની સળીઓ છૂટી પડવા માંડી છે તે હકીકત છે.
આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ
આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
