Banaskantha Gabbar Thakor New Song Controversy: ઉત્તર ગુજરાત અને સરહદી જિલ્લા બનાસકાંઠામાં ફરી એકવાર સામાજિક રિવાજો અને આંતરિક બંધારણને લઈને મોટો વિવાદ જાગ્યો છે. ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારા માટે અમલી કરાયેલા કડક નિયમોમાં પક્ષપાત થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે લોકપ્રિય લોકગાયક ગબ્બર ઠાકોર (Gabbar Thakor) ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. ગબ્બર ઠાકોરે પોતાના એક નવા ગીત દ્વારા સમાજના આગેવાનો પર સીધું નિશાન સાધ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
“ગામમાં દારૂ ચાલુ પણ કાઈ ફરક ના પડે” : Gabbar Thakor
ગબ્બર ઠાકોરે પોતાના ગીતના ધારદાર શબ્દો દ્વારા આગેવાનોની કથિત બેવડી નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. ગીતની કડીઓમાં તેમણે ગાયું છે કે:
“અમારા ડીજે (DJ) ના ધબકારે આગેવાનો ભડકે માણારાજ…” “ભલે ગામમાં દારૂ ચાલુ પણ કાઈ ફરક ના પડે માણારાજ…” “આ બધાના નિયમો ગબ્બર ઠાકોરને લાગુ પડે માણારાજ…”
આ ગીત દ્વારા કલાકારે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સમાજના કડક નિયમો માત્ર સામાન્ય લોકો અને કલાકારોને દબાવવા માટે જ વપરાય છે. ગામડાઓમાં દારૂબંધી જેવી મોટી બદીઓ ચાલતી હોવા છતાં આગેવાનો મૌન સેવે છે, પરંતુ જ્યારે કોઈ સામાન્ય પરિવાર પોતાના પ્રસંગમાં ડીજે વગાડે ત્યારે બંધારણના નામે કડક દંડ વસૂલવામાં આવે છે.
સત્ય બોલનારા અને ન્યાય માંગનારાઓને ધમકી!
ગબ્બર ઠાકોરે ગીતમાં માત્ર પક્ષપાત જ નહીં, પરંતુ સાચું બોલનારાઓને મળતી ધમકીઓ વિશે પણ ગંભીર ખુલાસો કર્યો છે. તેમણે આગળ ગાયું છે કે, “આગેવાનો બંધારણ તોડે એમને કોઈ ફરક ના પડે માણારાજ, અમે હાચુ કહીએ અમે ન્યાયની વાત કરીએ તો અમને ધમકી આપે માણારાજ.”
આ શબ્દો દર્શાવે છે કે સમાજમાં આંતરિક રીતે મોટો અસંતોષ પ્રવર્તી રહ્યો છે. સત્ય કહેનારાઓને સામાજિક બહિષ્કાર કે ધમકીઓનો સામનો કરવો પડતો હોવાનો દાવો આ ગીતમાં કરાયો છે.
સોશિયલ મીડિયામાં ચર્ચા ગરમાઈ
આ વિડિયો વાયરલ થયા બાદ ઠાકોર સમાજ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજિક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સામાન્ય જનતા અને કલાકારના સપોર્ટર્સ આ ગીતને શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સમાજના સંગઠનો અને મોવડીઓ આ આક્ષેપો પર શું પ્રતિક્રિયા આપે છે અને બંધારણના નિયમોમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.
આ પણ વાંચો: બનાસકાંઠામાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચો: બનાસકાંઠામાં ધાનેરા વહીવટદારના પાપે તરસ્યું
આ પણ વાંચો: બનાસકાંઠામાં ધણીયાણા દૂધ મંડળીમાં ચેરમેને મંત્રીને લાફા ઝીંક્યા, દ્રશ્યો CCTVમાં કેદ
