Gandhinagar News/ રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ખેડૂતો (Farmers)ની રજૂઆતને ધ્યાને લઈ ‘સનેડો’ કૃષિ સાધનની સહાયમાં ધરખમ વધારો કરાયો

Gujarat Gandhinagar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો (Farmers)ની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો (Farmers)ની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી  જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કિસાન પરિવહન યોજના હેઠળ ‘સનેડો’ તરીકે ઓળખાતા “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર” કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતો (Farmers)ને આપવામાં આવતી સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે “સનેડો” નામના ત્રિ-ચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અને વિવિધ સ્તરેથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. 25,000ની સહાયમાં વધારો કર્યો છે.

હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતો (Farmers)ને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 60,000ની સહાય મળશે. જ્યારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 75,000ની સહાય મળશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ખેડૂતો આ સહાય સાત વર્ષમાં માત્ર એકવાર મેળવી શકશે. ખરીદેલું સાધન ભારત સરકારની સંસ્થા દ્વારા ટેસ્ટેડ અને i-Khedut પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે. આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોના પરિવહન માટે જ કરવાનો રહેશે. વાહન ખરીદ્યા બાદ આગામી 2 વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં, તેમજ તેમાં પેસેન્જર પરિવહન માટે કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

આ નિર્ણય બદલ રાજ્યના ખેડૂતો (Farmers) તથા ખેડૂત સંગઠનો દ્વારા રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ સરાહનીય નિર્ણયથી કૃષિ ઉત્પાદનોને બજાર સુધી સમયસર પહોંચાડવામાં સરળતા રહેશે, પરિવહન પાછળ થતો ખર્ચ ઘટશે અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.


આ પણ વાંચો : પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ, કોંઢમાં તંગદિલી

આ પણ વાંચો : સુરતમાં નેશનલ હાઈવે-56 બાયપાસનો વિરોધ ઉગ્ર, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચો : ચોમાસા પહેલા ખેડૂતો માટે મોટું એલર્ટ! બિયારણ અને ખાતરની ખરીદી કરતા પહેલા આટલું ધ્યાન રાખજો