Panchmahal News : પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક કરંટ (Electrocution)લાગવાની દુર્ઘટનામાં બે યુવકોના કરુણ મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, કંજરી નજીક આવેલી ભાડાની ઓરડીમાં લોખંડના સળીયામાં અચાનક વીજ કરંટ ઉતરતા એક યુવક તેનો ભોગ બન્યો હતો.
આ દરમિયાન મિત્રને બચાવવા માટે દોડીને ગયેલા બીજા યુવકને પણ કરંટ (Electrocution)લાગતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. આસપાસના લોકો તરત જ બંનેને સારવાર માટે ખસેડવાની તૈયારીમાં લાગ્યા, પરંતુ બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વીજ લીકેજ અથવા વાયરિંગની ખામી કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સ્થાનિક લોકો દ્વારા વીજ સલામતી અંગે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
