Gir Somnath News/ ગીર સોમનાથમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, મૃતકો અને પાકિસ્તાનમાં વસતા લોકોના નામે ઉચાપત

ગીર સોમનાથના ગોવિંદપરામાં મનરેગા કૌભાંડ (MNREGA scam)નો મોટો પર્દાફાશ, મૃતકો અને પાકિસ્તાનમાં વસતા લોકોના નામે બોગસ જોબકાર્ડ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરાઈ હોવાનો આરોપ. સરપંચ-ઉપસરપંચ સામે FIR નોંધાઈ.

Top Stories Gujarat Others Breaking News
MNREGA scam: મૃતકોના નામે ઉપાડાયા સરકારી નાણાં

Gir Somnath News: વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ (MNREGA scam) બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા લોકો તેમજ પાકિસ્તાનમાં વસવાટ કરવા ગયેલા લોકોના નામે બોગસ જોબકાર્ડ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2012 થી 2016 દરમિયાન Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MNREGA scam) યોજના હેઠળ ગોવિંદપરા ગામમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણે સરકારી ગ્રાન્ટમાં ગોટાળો કરવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનો આક્ષેપ છે.

મૃતકો અને પાકિસ્તાનમાં વસતા લોકોના નામે જોબકાર્ડ

તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષો પહેલાં મૃત્યુ પામેલા લોકો તેમજ ભારત છોડીને પાકિસ્તાનમાં વસતા થયેલા લોકોના નામે ખોટા ‘જોબ કાર્ડ’ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બોગસ નામોના આધારે મસ્ટર રોલમાં ખોટી હાજરી બતાવી સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.આરોપીઓએ સરકારી યોજનાનો ગેરફાયદો ઉઠાવી બેંક ખાતાં ખોલાવ્યાં કે પછી ખોટી સહીઓના આધારે ગ્રાન્ટ ઉપાડી હોવાની પણ માહિતી સામે આવી છે.

MNREGA scam : તપાસ સમિતિના રિપોર્ટમાં ખુલાસા

આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી મળેલી ફરિયાદો બાદ સરકારી તંત્ર અને ઓડિટ ટીમ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મનરેગા યોજનામાં વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓના મજબૂત પુરાવા મળ્યા હતા.તપાસ રિપોર્ટમાં તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણની સીધી સંડોવણી સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરપંચ-ઉપસરપંચ વિરુદ્ધ FIR

પુરાવા મળતા જ તાલુકા વિકાસ અધિકારી (TDO) ટીલાવત ફરિયાદી બન્યા હતા અને તેમણે વેરાવળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે IPC 406, 409, 420, 468, 471 અને 114 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. હાલ સરકારી દસ્તાવેજો કબજે કરવાની તેમજ આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી ગતિમાન કરવામાં આવી છે.

સ્થાનિક રાજકારણમાં ગરમાવો

આ ઘટનાએ ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ગામ વિકાસ અને ગરીબ શ્રમિકોને રોજગાર આપવા માટેની યોજના જ ભ્રષ્ટાચારનો ભોગ બનતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર કૌભાંડ (MNREGA scam )ની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.


આ પણ વાંચો:મહીસાગરમાં મનરેગાના 128 APO કર્મચારીઓ 5 મહિનાથી વેતન વિહોણા

આ પણ વાંચો:ગાંધીનગરમાં કોંગ્રેસનો મનરેગા મુદ્દે સરકાર સામે જન આક્રોશ

આ પણ વાંચો:મનરેગા ઠપ્પ, ખેડૂતોને વળતર અધૂરું, રાવ નરેન્દ્ર સિંહે ભિવાનીથી ભાજપ સરકારને લલકાર્યું