Ahmedabad News/ સ્માર્ટ પોલીસિંગના દાવા વચ્ચે પોલીસકર્મીઓનું નાક બન્યું બ્રેથ એનેલાઈઝર

Ahmedabad Police Breath Analyzer Reality Check: અમદાવાદમાં કરોડોના ડિજિટલ બ્રેથ એનેલાઈઝર મશીનો ધૂળ ખાઈ રહ્યા છે અને પોલીસ હજુ પણ જૂની પદ્ધતિથી મોં સૂંઘીને દારૂડિયા પકડી રહી છે. જાણો આ જોખમી તપાસ પાછળની વિગત.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Police Breath Analyzer Reality Check

Ahmedabad Police Breath Analyzer Reality Check: એક તરફ સ્માર્ટ પોલીસિંગ, ડિજિટલ ગુજરાત અને ફાસ્ટ ટ્રેક આધુનિક ટેક્નોલોજીની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદના રસ્તાઓ પરથી કાયદો અને વ્યવસ્થાની એક અજીબ અને ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ હોય કે લોકલ પોલીસ સ્ટેશન, દારૂડિયા પકડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા આધુનિક ‘બ્રેથ એનેલાઈઝર’ (Breath Analyzer) મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં પોલીસ હજુ પણ વર્ષો જૂની પદ્ધતિથી વાસ લઈને, એટલે કે આરોપીનું ‘મોં સૂંઘીને’ પ્રોહિબિશનના કેસો કરી રહી છે.

Ahmedabad Police Breath Analyzer Reality Check

Ahmedabad : જાણો કઈ રીતે થાય છે રસ્તા પર ‘સ્મેલ ટેસ્ટ’?

અમદાવાદના ચાંદખેડા, કાગડાપીઠ, નરોડા અને વટવા જેવા અનેક વિસ્તારોમાં તાજેતરમાં નોંધાયેલા ગુનાઓ પર નજર કરીએ તો પોલીસ હજુ પણ સંપૂર્ણપણે ‘નાક આધારિત’ તપાસ પર જ નિર્ભર છે. રસ્તા પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કે નશાખોરોને પકડવા માટે પહેલાં વાહનચાલકને રોકવામાં આવે છે, પછી પંચના માણસોને બોલાવાય છે. ત્યારબાદ પોલીસ અને પંચના સભ્યો આરોપીના મોંની એકદમ નજીક જઈને તેનો શ્વાસ સૂંઘે છે. જો દારૂની તીવ્ર ગંધ આવે તો તેના આધારે ગુનો નોંધી લોકઅપ ભેગો કરી દેવાય છે. સવાલ એ થાય છે કે સેકન્ડોમાં સચોટ રિઝલ્ટ આપતા વૈજ્ઞાનિક મશીનો હોવા છતાં પોલીસને આ જોખમી સ્મેલ ટેસ્ટ કેમ કરવો પડે છે?

Ahmedabad Police Breath Analyzer Reality Check

માત્ર 31 ડિસેમ્બરે જ કેમ બહાર આવે છે ડિજિટલ મશીનો?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્માર્ટ બ્રેથ એનેલાઈઝર મશીનોનો સૌથી વધુ ઉપયોગ માત્ર 31 ડિસેમ્બર, દિવાળી, નવરાત્રી અથવા કોઈ વીઆઈપી (VIP) બંદોબસ્ત કે ખાસ ડ્રાઈવ હોય ત્યારે જ જોવા મળે છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાજર હોય અથવા કામગીરી બતાવવાની હોય ત્યારે જ આ મશીનો કબાટમાંથી બહાર કાઢવામાં આવે છે. સામાન્ય દિવસોમાં કાં તો આ મશીનો લાંબા સમયથી કેલિબ્રેશન (મેઇન્ટેનન્સ) વગર બંધ પડ્યા છે, કાં તો ખરાબ હાલતમાં છે. સૌથી મોટું કારણ એ છે કે ગ્રાઉન્ડ સ્ટાફને આ મશીનોનો નિયમિત ઉપયોગ કરવાની વર્ષોથી ટેવ જ નથી પડી.

પોલીસકર્મીઓ પર મંડરાતું મોટું જોખમ

નિષ્ણાતો અને કાયદાકીય ઓથોરિટીના મતે, આ જૂની પદ્ધતિ પોલીસકર્મીઓ અને કાયદા બંને માટે નુકસાનકારક છે:

ચેપી રોગોનું ગંભીર જોખમ: નશામાં ધૂત અજાણ્યા વ્યક્તિના શ્વાસ, ઉધરસ અને થૂંકના સીધા સંપર્કમાં આવવાથી ઓન-ડ્યુટી પોલીસકર્મીઓને ટીબી (TB), સ્વાઈન ફ્લૂ કે અન્ય ઘાતક સંક્રમણ લાગવાનો ભય સતત રહે છે.

સુરક્ષાનો ખતરો: અતિશય નશો કરેલી વ્યક્તિ ગમે ત્યારે પોલીસ પર હુમલો કરી શકે છે, નજીક જતાં બચકું ભરી શકે છે કે ધક્કો મારી શકે છે. આનાથી પોલીસ કર્મચારીઓને માનસિક અસ્વસ્થતા અને ઊબકાની સમસ્યા પણ થાય છે.

કોર્ટમાં નબળો પુરાવો: માત્ર વાસના આધારે કરાયેલા કેસો કોર્ટમાં કાનૂની રીતે બહુ નબળા સાબિત થાય છે. કાયદા નિષ્ણાતોના મતે માઉથવોશ, તીવ્ર એસિડિટી અથવા કેટલીક ચોક્કસ દવાઓની ગંધને પણ ઘણીવાર દારૂ સમજી લેવાની ભૂલ થઈ શકે છે, જ્યારે બ્રેથ એનેલાઈઝરનો ડિજિટલ રિપોર્ટ કોર્ટમાં પાકો અને વૈજ્ઞાનિક પુરાવો ગણાય છે.

આધુનિક યુગમાં કરોડોના સરકારી બજેટથી ખરીદાયેલી ટેક્નોલોજી કબાટોમાં ધૂળ ખાય અને રસ્તા પર પોલીસ પોતાનું નાક જોખમમાં મૂકીને ફરજ બજાવે, તે સ્માર્ટ પોલીસિંગની સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા કરે છે.


આ પણ વાંચો:  થર્ટીફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન : ડ્રોન CCTVથી પોલીસની બાજ નજર, : 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે

આ પણ વાંચો: અમદાવાદમાં NSG મોક ડ્રિલ દરમિયાન કારચાલકે પોલીસકર્મીને ટક્કર મારી

આ પણ વાંચો:  અમદાવાદમા મહિલા ડ્રાઇવર સાથે પોલીસકર્મીનું અશોભનીય વર્તન